PM મોદી પર બનેલી ડોક્યુમેન્ટરી બ્લોક કરવા અંગે ઓવૈસીએ કરી સરકારની ટીકા, જાણો શું કહ્યું

  • vatannivat
  • 23-01-2023 07:21 AM

- પીએમ મોદી પર બનેલી ડોક્યુમેન્ટરી બ્લોક કરવામાં આવી, પરંતુ ગોડસે પર બનેલી ફિલ્મ નહીં : ઓવૈસી 

- ગુજરાત રમખાણો પર બે ભાગની ડોક્યુમેન્ટરી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' BBCએ રિલીઝ કરી

'ગાંધી ગોડસેઃ એક યુદ્ધ' પર પ્રતિબંધ મૂકવાની માંગ

BBC દ્વારા ગુજરાત રમખાણો પર જાહેર કરવામાં આવેલ ડોક્યુમેન્ટરી હાલમાં ચર્ચામાં છે. ત્યારે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ 2002ના ગુજરાત રમખાણો પર બીબીસી ડોક્યુમેન્ટ્રી સામે સરકારની કાર્યવાહીની ટીકા કરી છે. AIMIM નેતા રવિવારે એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેઓએ ફિલ્મ 'ગાંધી ગોડસેઃ એક યુદ્ધ' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, જે 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસે રિલીઝ થવાની છે. નોંધનીય છે કે બીબીસીએ તાજેતરમાં ગુજરાત રમખાણો પર બે ભાગની ડોક્યુમેન્ટરી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' રિલીઝ કરી છે. તેનો માત્ર પહેલો ભાગ જ રિલીઝ થયો છે. પરંતુ ભારત સરકારે તેને પ્રચારનો ભાગ ગણાવીને તેના પર રોક લગાવી દીધી છે. ઓવૈસીએ સરકારના આ પગલાની ટીકા કરી છે.

ઓવૈસીએ શું કહ્યું

ઓવૈસીએ જણાવ્યું હતું કે તમે લોકો જોઈ રહ્યા છો કે ગુજરાત રમખાણો સમયે મુખ્યમંત્રી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર BBCની ડોક્યુમેન્ટ્રીની ચર્ચા થઈ રહી છે. મોદી સરકારે એક કાયદાના આધારે ડોક્યુમેન્ટ્રીને બ્લોક કરી દીધી છે. તેમણે પૂછ્યું હતું કે, જ્યારે રમખાણો થયા ત્યારે શું તમે મુખ્યમંત્રી ન હતા? બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો, કોંગ્રેસના સાંસદ (અહેસાન જાફરી)ની હત્યા કરવામાં આવી હતી. 

વડાપ્રધાન આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકશે? : ગોડસે પર બનેલી ફિલ્મને લઈને ઓવૈસી

ઓવૈસીએ વધુમાં કહ્યું હતું કે, "પરંતુ મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસે પર ફિલ્મ બની રહી છે. શું ભારતના વડાપ્રધાન આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકશે?" મેં તે જાતે જોયું છે. આ ફિલ્મ સમજાવે છે કે શા માટે ગાંધીની હત્યા તેમના દ્વારા કરવામાં આવી હતી. તેથી જ્યારે બીબીસી પીએમ મોદી વિશે કંઈક બતાવે છે ત્યારે તે એક સમસ્યા છે, પરંતુ ગાંધીની હત્યા કરનાર વ્યક્તિ પર એક ફિલ્મ છે.