વડાપ્રધાન અંગે લોકસભામાં અસંસદીય ટિપ્પણી બદલ રાહુલ ગાંધીને નોટિસ

  • vatannivat
  • 14-02-2023 08:07 AM

- લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને પાઠવી નોટિસ

- નોટિસનો જવાબ 15 ફેબ્રુઆરી સુધીમાં દાખલ કરવા આદેશ

મોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થયું

મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કર્યું હતું. જે બાદ સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં બજેટ સત્ર પર ચર્ચા થઈ રહી છે. ત્યારે 7 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અદાણી મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. પરિણામે આ મુદ્દે ભાજપના સાંસદોએ આપત્તિ જણાવી હતી. ત્યારે હવે લોકસભા સચિવાલયે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને નોટિસ પાઠવી છે. એટલું જ નહીં 15 ફેબ્રુઆરી સુધીમાં નોટિસનો જવાબ દાખલ કરવા કહ્યું છે.

નિશિકાંત દુબે અને પ્રહલાદ જોશીએ આપી હતી વિશેષાધિકાર ભંગની નોટિસ

ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીના વિશેષાધિકાર ભંગની નોટિસ પર સચિવાલયે રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગ્યો છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને આ નોટિસનો જવાબ 15 ફેબ્રુઆરી સુધીમાં દાખલ કરવા કહ્યું છે. રાહુલ ગાંધી પર લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદી વિરુદ્ધ ખોટા, તિરસ્કારપૂર્ણ, અસંસદીય અને ભ્રામક તથ્યો મૂકવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે લોકસભા સચિવાલયની વિશેષાધિકાર અને આચાર શાખાના ઉપસચિવે રાહુલ ગાંધીને ઈમેલ પર પત્ર લખ્યો છે.