મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે નગરપાલિકાએ એફિડેવિટ દાખલ કર્યું, જાણો શું કહ્યું

  • vatannivat
  • 17-11-2022 11:45 AM

- કંપનીએ પરવાનગી વગર બ્રિજ ખોલ્યો : મોરબી નગરપાલિકા 

- હાઇકોર્ટ સૂઓમોટો સંજ્ઞાન લીધા બાદ સુનવણી કરી રહી છે 

નગરપાલિકા અને કંપની વચ્ચે શરતો નક્કી થઇ હતી

મોરબી નગરપાલિકાએ પુલ દુર્ઘટનાને લઈને બુધવારે હાઇકોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું છે. જેમાં મોટો ખુલાસો થયો છે. નગરપાલિકાએ દાખલ કરેલ એફિડેવિટમાં ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું છે કે બ્રિજના સમારકામની જે કંપનીને જવાબદારી સોંપવામાં આવી હતી તેણે રિપેરિંગ કામ અંગે જાણ કર્યા વિના પરવાનગી વગર તેને ખોલી નાખ્યો હતો. નગરપાલિકાએ કહ્યું કે 8 માર્ચ, 2022ના કરારની ચાર શરતો મ્યુનિસિપલ બોડી અને કંપની વચ્ચે નક્કી કરવામાં આવી હતી. એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે કરારમાં એક શરત એ હતી કે અજંતા (ઓરેવા ગ્રૂપ) તેનું યોગ્ય રીતે સમારકામ કરશે અને કરારની તારીખથી ઓછામાં ઓછા 8 થી 12 મહિનાનો સમય લાગશે, તે પછી જ તે મોટાપાયે લોકો માટે ખોલવામાં આવશે.

પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત 

નગરપાલિકાએ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ડિવિઝન બેંચ સમક્ષ એફિડેવિટ દાખલ કરી હતી. કોર્ટ આ મામલાની સુઓમોટો સંજ્ઞાન લીધા બાદ સુનાવણી કરી રહી છે. મોરબી શહેરની મચ્છુ નદી પરનો આ પુલ અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવ્યો હતો. પુલ ધરાશાયી થયાના પાંચ દિવસ પહેલા સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ પછી તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો. પુલને ખોલ્યાનાં પાંચ દિવસમાં જ એટલે કે 30 ઓક્ટોબરની સાંજે બ્રિજ તૂટી પડતાં 135 લોકોનાં મોત થયાં હતાં.

હાઇકોર્ટે ઓરેવા ગ્રુપ પાસે જવાબ માંગ્યો

અમદાવાદ સ્થિત ઓરેવા ગ્રુપ બ્રિજની જાળવણી અને સંચાલન કરતું હતું. મોરબી નગરપાલિકાએ તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે 8 માર્ચ, 2022 ના રોજ નગરપાલિકા અને અજંતા મેન્યુફેક્ચરિંગ વચ્ચે થયેલા કરારની શરત મુજબ, પુલને સામાન્ય રીતે જાહેર જનતા માટે ખોલવામાં આવે તે પહેલાં યોગ્ય સમારકામની જરૂર હતી. ત્યારે ગુજરાત હાઇકોર્ટે અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) પાસેથી જવાબ માંગ્યો છે કે પરવાનગી ન હોવા છતાં બ્રિજનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા પાછળ કયા કારણો હતા.