મુંબઈનું વધતું પ્રદૂષણ બન્યું ચિંતાનું કારણ; વિશ્વમાં બીજું સૌથી પ્રદૂષિત શહેર

  • vatannivat
  • 16-02-2023 06:36 AM

- વિશ્વના મુખ્ય શહેરોની હવાની ગુણવત્તાનું મોનિટરિંગ કરતા સ્વીસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સ આઈક્યુએરના ડેટા બહાર પાડ્યો 

- મુંબઈ દેશમાં પ્રથમ અને વિશ્વમાં બીજા ક્રમનું સૌથી પ્રદૂષિત શહેર

- મુંબઈના પ્રદૂષણમાં માટે બાંધકામો તથા રસ્તા પરના રજકણો જવાબદાર

દેશનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું મુંબઈ 

દેશનું આર્થિક પાટનગર મુંબઈ હવે ભારતના પ્રદૂષણનું  કેપિટલ બની ગયું છે. મુંબઈ હવે દેશનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. આ મોરચે તેણે દેશની રાજકીય રાજધાની દિલ્હીને પણ પાછળ છોડી દીધી છે. માયાનગરી મુંબઈ વિશ્વમાં હવે 2 ક્રમનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. ભારત સહિત વિશ્વના મુખ્ય શહેરોની હવાની ગુણવત્તાનું મોનિટરિંગ કરતા સ્વીસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સ આઈક્યુએરના ડેટા અનુસાર વિશ્વભરમાં પ્રદૂષિત શહેરોની યાદીમાં મુંબઈ 2 ક્રમે છે. મુંબઈમાં છેલ્લા 2 મહિનાથી પ્રદૂષણમાં ખુબ વધારો જોવા મળે છે. સવારે અને સાંજે સ્મોગના થર છવાય છે અને તેના લીધે વિઝિબિલિટી પણ અતિશય નબળું બન્યુ છે.

પ્રદૂષણના કારણે ડોક્ટરોની ચેતવણી 

સતત ઝેરીલાં વાતાવરણના કારણે મુંબઈમાં શ્વસનતંત્ર સંબંધિત રોગો સહિત અન્ય બીમારીઓ વધારે થવાની ચેતવણી કેટલાય સમયથી તબીબી નિષ્ણાતો આપી રહ્યા છે. મુંબઈમાં પ્રદૂષણ વધી રહ્યું હોવાની ચિંતાનું પ્રતિબિંબ હવે સ્વીસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સમાં પણ આવ્યું છે. હજુ ગત તા. 29મી જાન્યુઆરીએ મુંબઈ વિશ્વનાં સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં10માં ક્રમે હતું. પરંતુ 2 ફેબુ્રઆરીએ તે વિશ્વમાં 2 ક્રમનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું હતું. તે પછીના દિવસે તેનું સ્થાન ગબડયું હતું, પરંતુ ફરી તા. 8 મી ફેબુ્રઆરીએ તે વિશ્વમાં 2 ક્રમે આવી ગયું હતું. જયારે તા.13મી ફેબુ્રઆરીના આંક અનુસાર તે ભારતનું સૌથી પ્રદૂષિત અને વિશ્વનું 2 નંબરનું સૈૌથી પ્રદૂષિત શહેર બની ગયું.

CPCBના ડેટા અનુસાર મુંબઈના હવામાનની ગુણવતા

CPCBના ડેટા અનુસાર મુંબઈ પાછલા 3 વર્ષોની સરખામણીએ આ શિયાળામાં નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન હવાની ગુણવત્તા વધારે ખરાબ કેટેગરીમાં રહી હોય તેવા દિવસોનું પ્રમાણ બમણું થઈ ગયું છે. બોમ્બે IIT તથા નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ અનુસાર મુંબઈની હવામાં 71% જેટલા પાર્ટિક્યુલેટ મેટર માટે બાંધકામો તથા રસ્તા પરની રજકણો જવાબદાર છે. આ ઉપરાંત ફેક્ટરીઓ, પાવર પ્લાન્ટ, એરપોર્ટ તથા વેસ્ટ ડમ્પ સાઈટ્‌સના લીધે મુંબઈગરાઓના શ્વાસમાં બહુ જ ઝેરી હવા ઠલવાઈ રહી છે. આઇક્યુ એર એટલે કે સ્વીસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સ રિઅલ ટાઈમ વર્લ્ડવાઈડ એક ક્વોલિટી મોનિટર છે. તે સેન્ટ્રલ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ તથા ગ્રીનપીસ અને UNEP સહિતની એજન્સીઓના સહયોગમાં ભારતની હવાની ગુણવત્તાનુમાપન કરે છે.