ગુજરાતનાં દરિયાકિનારે ભારે પવન ફુંકાવાની હવામાન વિભાગની આગાહી, કેટલાંક બંદરો પર ૩ નંબરનું સિગ્નલ

  • vatannivat
  • 16-07-2022 11:29 AM

- દરિયાકાંઠે આગામી ૨૪ કલાક લો પ્રેશર સીસ્ટમ સક્રિય

- ભારે પવન ફૂંકાવાને લીધે માછીમારો અને બંદરોને ચેતવણી 

લોકોને દરિયાકાંઠે ન જવા માટે સૂચના

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતમાં વધુ એક દિવસ વરસાદનું જોર યથાવત રહેશે. આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠે આગામી 24 કલાકમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેને લીધે દરિયાકિનારાઓ પર ભારે પવન ફુંકાશે. તેથી માછીમારો અને બંદરોને પણ ચેતવણી આપવામાં આવી છે. ત્યારે બીજી બાજુ ગુજરાતના કેટલાક બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. તો તંત્ર દ્વારા પણ લોકોને દરિયાકાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

ક્યાં વરસાદની આગાહી

રાજ્યનાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો તે સિવાય સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિદ્વારકામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ દરમ્યાન પોરબંદર પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. સમુદ્રમાં લો પ્રેશરને પગલે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ છે તો ત્યાં માછીમારોને દરિયામાં ન જવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ક્યાં લાગ્યું ૩ નંબરનું સિગ્નલ 

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ભારે પવનને કારણે અરબ સાગરમાં ઉંચા મોજા ઉછળતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે અમરેલીના જાફરાબાદ બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. દરિયાકાંઠે લાઈટ હાઉસ આવેલ છે તે વિસ્તારમાં તંત્રએ સિગ્નલ લગાવ્યું છે. પીપાવાવ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદનું જોર અને પવનની ગતિ અહીં વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઓખા બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. હવામાન ખાતાની આગાહી અને સલામતીના કારણે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારો અને કાંઠા વિસ્તારના લોકોને દરિયાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.