ભારતના વિદેશમંત્રી જયશંકર અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન વચ્ચે મુલાકાત, વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા

  • vatannivat
  • 18-02-2023 06:57 AM

- બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસ અંગે ચર્ચા 

- જયશંકર ઓસ્ટ્રેલિયામાં રાયસિના@સિડની કોન્ફરન્સમાં ભાગ લેશે

ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત યોજાશે રાયસિના@સિડની કોન્ફરન્સ

ભારતના વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. ત્યાં જયશંકર સિડનીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને મળ્યા હતા. વિદેશ મંત્રી જયશંકરની ઓસ્ટ્રેલિયાની આ ત્રીજી મુલાકાત છે. વિદેશ મંત્રી જયશંકર ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત યોજાઈ રહેલી રાયસિના@સિડની કોન્ફરન્સમાં ભાગ લેશે. આ પ્રવાસમાં હિંદ પ્રશાંત મહાસાગરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સહયોગ વધારવા પર મહત્વની વાતચીત થઈ શકે છે.

બંને નેતાઓ સિડનીના કિરીબિલી હાઉસમાં મળ્યા

ઉલ્લેખનીય છે કે Raisina@Sydney કોન્ફરન્સની થીમ પર્યાવરણ, જિયોપોલિટિક્સ અને એનર્જી ટ્રાન્ઝિશન છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથેની બેઠકમાં વિદેશમંત્રીએ તેમને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસ વિશે માહિતી આપી હતી. આ દરમ્યાન ડૉ.જયશંકરે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની ચર્ચા થઈ અને ક્રિકેટ પર પણ ચર્ચા થઈ છે. બંને નેતાઓ સિડનીના કિરીબિલી હાઉસમાં મળ્યા હતા.

દર વર્ષે 94 હજાર જહાજો હિંદ પ્રશાંત મહાસાગર વિસ્તારમાંથી પસાર થાય છે

હિંદ પ્રશાંત મહાસાગર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા આ ક્ષેત્રમાં મોટી શક્તિઓ છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ પીસ એન્ડ કોન્ફ્લિક્ટ સ્ટડીઝના રિપોર્ટ મુજબ, દર વર્ષે લગભગ 94 હજાર જહાજો હિંદ પ્રશાંત મહાસાગર વિસ્તારમાંથી પસાર થાય છે અને લગભગ $5.3 ટ્રિલિયનનો સામાન લઈ જાય છે. હિંદ મહાસાગર સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેવું માનવામાં આવે છે. તે કારણે જ અહીંથી થતા વેપાર માટે આ વિસ્તારમાં દરિયાઈ સ્થિરતા અને અવિરત અવરજવર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ક્ષેત્રમાં ચીનનું વર્ચસ્વ છે. ચીનના પડકારનો સામનો કરવા માટે જ ભારત અને ઓસ્ટ્રેલિયા પરસ્પર સહયોગ વધારી રહ્યા છે.