ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતાં માતરનાં ધારાસભ્ય AAPમાં જોડાયા

  • vatannivat
  • 11-11-2022 10:15 AM

- કેસરીસિંહ સોલંકી માતર સીટ ઉપર બે વખત ધારાસભ્ય બન્યા હતા 

- કેસરીસિંહ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલની પ્રામાણિક રાજનીતિથી પ્રેરિત AAPમાં જોડાયા : ઈટાલીયા

કેસરીસિંહ AAPમાં જોડાયા હોવાની ગોપાલ ઇટાલિયાની જાહેરાત 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોની હલચલ ભારે તેજ બની છે. તો રાજ્યમાં પક્ષપલ્ટાની પણ જાણે મોસમ આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ફરી એક ધારાસભ્યે પક્ષપલટો કર્યો છે. પરંતુ આ વખતે ભાજપના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાત ભાજપનાં બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા કેસરીસિંહ સોલંકીએ ટિકિટ ન મળવાના કારણે પાર્ટી છોડી દીધી હતી ત્યારે ભાજપને આંચકો લાગ્યો હતો. સોલંકી આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. કેસરીસિંહ સોલંકી ગુજરાતના ખેડા જિલ્લાના માતર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે. ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર પર જણાવ્યું કે કેસરીસિંહ સોલંકી AAPમાં જોડાયા છે.

કેસરીસિંહ સોલંકી મહેનતુ અને નીડર ધારાસભ્ય : ઈટાલિયા

ગોપાલ ઇટાલિયાએ ગુરુવારે મોડી રાત્રે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે કેસરીસિંહ સોલંકી માતર વિધાનસભાના લોકપ્રિય, મહેનતુ અને નીડર ધારાસભ્ય છે. તેઓ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલની પ્રામાણિક રાજનીતિથી પ્રેરિત AAPમાં જોડાયા હતા. હું સોલંકીનું હાર્દિક સ્વાગત કરું છું. અમે સાથે મળીને ગુજરાતમાં પ્રામાણિક સરકાર બનાવીશું. ઈટાલીયાએ એક તસવીર પણ શેર કરી છે, જેમાં તે કેસરીસિંહ સોલંકીને આવકારતા જોવા મળે છે.

કલ્પેશ પરમાર ભાજપ ઉમેદવાર

ગુજરાતમાં સત્તારૂઢ ભાજપે ગુરુવારે તેના 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પક્ષે માતર બેઠક પરથી કલ્પેશ પરમારને ટિકિટ આપી છે. કેસરીસિંહ સોલંકી 2014 અને 2017માં ભાજપની ટિકિટ પર અહીંથી જીત્યા હતા.