મોરબી પુલ દુર્ઘટના અંગે ઓરેવા ગ્રુપ વિરુદ્ધ હાઇકોર્ટની મોટી કાર્યવાહી, જાણો શું કાર્યવાહી કરી

  • vatannivat
  • 23-01-2023 07:49 AM

- ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રુપના માલિકોને નોટિસ ફટકારી

- પાલિકાની બેદરકારીનો કેસ પુરવાર થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે : હાઇકોર્ટ 

કોર્ટે નગરપાલિકા દ્વારા કરાયેલી દલીલોને ફગાવી

ગુજરાતનાં મોરબીમાં ગત દિવાળીનાં તહેવારોમાં વિરાસત સમો ઝૂલતો પુલ પડ્યો હતો. તેમાં અનેક લોકોનાં મોત થયા હતા. આ મામલે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે આ બાબતે ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલને નોટિસ પાઠવી ગુજરાતમાં મોરબી બ્રિજ તૂટી પડવાના કેસમાં તેમનો જવાબ માંગ્યો હતો. મોરબી નગરપાલિકા દ્વારા કરાયેલી દલીલોને ફગાવી દેતા અને ઓરેવા ગ્રૂપના માલિકો સામે દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારતા ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને આગામી સુનાવણીમાં જવાબ આપવા જણાવ્યું હતું.

બેદરકારીનો બચાવ કરવા માટે સમય માંગવો યોગ્ય નથી : ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે મોરબી નગરપાલિકાને કડક શબ્દોમાં કહ્યું હતું કે બેદરકારીનો બચાવ કરવા માટે સમય માંગવો યોગ્ય નથી. આ મામલે નગરપાલિકાની બેદરકારીનો કેસ પુરવાર થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો સદી જૂનો પુલ તૂટી પડતાં 134 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીની હાઇકોર્ટને અપેક્ષા

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે ગુજરાત હાઈકોર્ટે 7 નવેમ્બરના રોજ મોરબી અકસ્માતની સુઓમોટો સંજ્ઞાન લીધી હતી. બાદમાં ગૃહ વિભાગ સહિતના અધિકારીઓને નોટિસ પાઠવી હતી અને એક અઠવાડિયામાં અહેવાલ માંગ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે અમે રાજ્ય સરકાર પાસેથી કડક કાર્યવાહીની અપેક્ષા રાખીએ છીએ.