વડોદરામાં સરકારી જમીન પર ગેરકાયદે બનેલા વ્હાઇટ હાઉસ ઉપર મોટી કાર્યવાહી

  • vatannivat
  • 16-02-2023 05:55 AM

- સરકારી જમીન પર ગેરકાયદે બનેલા વ્હાઇટ હાઉસને બુલડોઝરથી જમીનદોસ્ત કરાયું

- જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વ્હાઇટ હાઉસ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

આ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હોવાથી આરોપીને રક્ષણ આપી શકાય તેમ નથી : કોર્ટ

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર ડી માર્ટની પાછળ 100 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર બનાવી દેવામાં આવેલા "વ્હાઇટ હાઉસ" નામથી જાણીતા વિશાળ બંગલાને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વ્હાઇટ હાઉસ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  ત્યારબાદ આ બંગલા ઉપર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં 5 ડુપ્લેક્ષ તોડી પડાયાં હતાં અને બાદમાં વ્હાઇટ કાઉસની કમ્પાઉન્ડ વોલ તોડવામાં આવી હતી. જોકે, હાઇકોર્ટે સ્ટે આપતા કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટ કહ્યું હતું કે, આ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હોવાથી તમને રક્ષણ આપી શકાય તેમ નથી. જેથી કોર્ટે અરજી કાઢી નાખી હતી. બાદમાં વ્હાઇટ હાઉસને તોડી પડાયું હતું. 

10 હજાર સ્કવેર ફૂટમાં બન્યું હતું વ્હાઇટ હાઉસ

વ્હાઇટ હાઉસ 10 હજાર સ્કવેર ફૂટમાં બન્યું હતું. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ આશિષ મોદીએ જણાવ્યું હતું કે, સરકારી વકીલના જણાવ્યા મુજબ હાઇકોર્ટ દ્વારા 2:30 વાગ્યા સુધી સ્ટેટસ સ્કો આપવામાં આવતા 2:30 વાગ્યા સુધી કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલા સંજયસિંહના પુત્ર કુમારસિંહ પરમારે જણાવ્યું હતું કે, દસ્તાવેજ મારાં મમ્મીના નામનો છે. હાઇકોર્ટે બાંધકામ તોડવા સામે સ્ટે આપેલો છે. સરકારી જમીન પર બનેલા વ્હાઇટ હાઉસની બાજુમાં 1 લાખ ચોરસ ફૂટ જગ્યામાં ડુપ્લેક્ષની સ્કીમ મૂકવામાં આવી હતી. સવારે 5 જેસીબીની મદદથી ગેરકાયદે બાંધવામાં આવેલાં 5 ડુપ્લેક્ષ તોડી પાડવામાં આવ્યાં હતાં, ત્યારબાદ વ્હાઇટ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું હતું. 100 કરોડની જમીન ખાલી કરાવવા માટે શરૂ કરાયેલી કાર્યવાહીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડ અને જીઇબીની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

જમીન સંપૂર્ણ પણે સરકાર હસ્તક પુનઃ લઇ લેવામાં આવશે

જીઇબી દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ડેપ્ચુટી ટીડીઓ મયંક પટેલે જણાવ્યું હતું કે, સરકારી જમીન પર જે દબાણ હોય તેને દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે. તે પ્રમાણે જ સરકારી પ્રોસેસ પૂર્ણ કરીને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. મળેલી માહિતી પ્રમાણે વ્હાઇટ હાઉસ નામનો બંગલો તોડવામાં આવનાર હોવાની વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતાં ચર્ચાનો વિષય બન્યો હતો. તે સાથે બંગલામાં રહેતા લોકોએ પોતાનો સામાન અન્ય સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરતા વિસ્તારમાં ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. કુતૂહલવશ લોકોના વ્હાઇટ હાઉસ પાસે ટોળાં વળી ગયાં હતાં. કેટલાક લોકોએ મોબાઇલમાં વ્હાઇટ હાઉસના ફોટા અને વીડિયો ઉતાર્યો હતો. આ જમીન સંપૂર્ણ પણે સરકાર હસ્તક પુનઃ લઇ લેવામાં આવશે.