મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષનું મુખ્યમંત્રીને લઈને મોટું નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 19-12-2022 06:14 AM

- મહારાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે ફડણવીસનું મુખ્યમંત્રી બનવું જરૂરી : ચંદ્રશેખર બાવનકુલે

- ફડણવીસે દરેક સમુદાયને ન્યાય આપવાનું કામ કર્યું છે : મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ

હું પ્રદેશ ભાજપ અધ્યક્ષ છું ત્યાં સુધી ફડણવીસે મુખ્યમંત્રી બનવું જોઈએ : બાવનકુલે

મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી હું પ્રદેશ ભાજપ અધ્યક્ષ છું ત્યાં સુધી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના "સમગ્ર વિકાસ" માટે ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવું જોઈએ.

ભાજપ પ્રદેશ અધ્યક્ષે શું કહ્યું

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે ફડણવીસે દરેક સમુદાયને ન્યાય આપવાનું કામ કર્યું છે, પછી તે મરાઠા હોય, ધનગર હોય કે અન્ય કોઈ સમુદાય. નાગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં બોલતા બાવનકુલેએ વધુમાં કહ્યું કે જ્યાં સુધી હું પ્રદેશ ભાજપ અધ્યક્ષ છું ત્યાં સુધી ફડણવીસને મુખ્યમંત્રી બનવું જોઈએ. તેમણે કહ્યું કે માત્ર એક જ વ્યક્તિ મહારાષ્ટ્રને આગળ લઈ જઈ શકે છે, તો તે દેવેન્દ્ર ફડણવીસ છે. નોંધનીય છે કે આ પહેલા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે પાર્ટીએ ભારે હૈયે નિર્ણય લીધો છે કે બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે ફડણવીસને બદલે રાજ્યના મુખ્યમંત્રી બનવા જોઈએ. 

વિપક્ષના પ્રહાર

ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની ટિપ્પણીએ હવે વિરોધ પક્ષોને બોલવાની તક આપી છે. આ બાબતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ કહ્યું કે આ નિવેદન દર્શાવે છે કે વર્તમાન સીએમ શિંદેનું ભારતીય જનતા પાર્ટી (BJP)માં કોઈ મૂલ્ય નથી.