ભાવનગર જિલ્લામાં ‘સુજલામ સુફલામ અભિયાન’નો સાંસદના હસ્તે પ્રારંભ

  • vatannivat
  • 18-02-2023 09:59 AM

- રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં અભિયાનની શરૂઆત 

- સુજલામ સુફલામ યોજના દ્વારા પાણીની સમસ્યાનો અંત : ડો.ભારતીબેન શિયાળ

સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ 

વરસાદી પાણીના સંગ્રહ માટે સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતે સાંસદ ડો.ભારતીબેન શિયાળના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી જળશક્તિ માટે સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાનનો જનશક્તિના સહયોગથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. 

સુજલામ સુફલામ યોજના લોકો માટે આશીર્વાદ રૂપ : સાંસદ

આ દરમ્યાન સાંસદ ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જળ એ જ જીવન ની ભાવનાથી કામ કરે છે. જળ સંચયના આગોતરા આયોજન માટે 2018માં સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના થકી કામગીરી કરવાથી જમીનના તળ ઉંચા આવે છે. ઉંધી રકાબી સમાન સૌરાષ્ટ્રના પ્રદેશ માટે સુજલામ સુફલામ યોજના આશીર્વાદ રૂપ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જિલ્લામાં નર્મદાના નીર પહોંચાડીને સુજલામ- સુફલામ યોજના દ્વારા પાણીની સમસ્યાઓનો કાયમી અંત લાવ્યો છે. લોકભાગીદારીથી તળાવો ઉંડા કરવા અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવા આજના સમયની ખુબ મોટી માંગ છે.

અભિયાનમાં અંદાજિત 666 કામોનો સમાવેશ કરાશે  

ભાવનગર જિલ્લામાં "સુજલામ સુફલામ જળ અભિયાન 2023" અંતર્ગત અંદાજિત 666 જેટલાં કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. સુજલામ સુફલામ જળ અભિયાન તા.17 ફેબ્રુઆરીથી તા.31મી મે એટલે કે 104 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં યોજાવાનું છે. આ અભિયાનમાં 2023ના વર્ષમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડી-શીલ્ટિંગના કામો, રીપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવિત કરવાના અને નહેરોની, કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, પ્રાંત અધિકારી હિતેશ જનકાટ, પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર આર. એમ. ભાલીયા, તાલુકા વિકાસ અધિકારી પી.કે.રાવત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા