વિધાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા અંગે મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો, જાણો શું કહ્યું

  • vatannivat
  • 19-01-2023 11:45 AM

- મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના વિધાર્થીઓની શિષ્યવૃતિ બંધ કરવાના નિર્ણયની ટીકા કરી 

- મમતા બેનર્જીએ મેધાશ્રી યોજનાનો શુભારંભ કર્યો 

પછાત અને લઘુમતી સમુદાયોના વિદ્યાર્થીઓ રૂ. 800 ની ગ્રાન્ટ મેળવવા માટે હકદાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે પછાત જાતિઓ અને લઘુમતી સમુદાયોના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ રોકવાના કેન્દ્રના પગલાની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની સરકાર તે વિદ્યાર્થીઓને તમામ સહાય પૂરી પાડશે. તેઓએ બંગાળમાં મેધાશ્રી યોજનાનો શુભારંભ કર્યો હતો. આ શિષ્યવૃતિ યોજનાનો પ્રારંભ કરતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે પછાત અને લઘુમતી સમુદાયોના વિદ્યાર્થીઓ રૂ. 800 ની ગ્રાન્ટ મેળવવા માટે હકદાર હશે. તેઓએ વધુમાં જણાવ્યું કે તેમની સરકાર વિધાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે શક્ય તે બધું જ કરશે.

મમતા બેનર્જીએ શું કહ્યું

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વહીવટી સમીક્ષા બેઠક દરમિયાન કહ્યું હતું કે, "કેન્દ્ર સરકારે OBC અને અન્ય લઘુમતી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. પરંતુ ચિંતા કરશો નહીં. અમે તેમને સમાન અનુદાન આપીશું." તેઓએ વધુમાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળના લોકોમાં ભાગલા પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, સાથે તેઓએ લોકોને તેમના પર ધ્યાન ન આપવા વિનંતી કરી હતી. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ (ભાજપ) લોકોમાં ભાગલા પાડવા માટે જે પણ કહે છે તેના પર ધ્યાન ન આપો. અમે એક સંકલિત સમાજ જોવા માંગીએ છીએ.