ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતમાં કેજરીવાલે ત્રણ મોટા વચનો આપ્યા

  • vatannivat
  • 21-07-2022 09:15 AM

- 'મફત રેવડી એ ભગવાનનો પ્રસાદ' : કેજરીવાલ

- અરવિંદ કેજરીવાલે સુરતમાં સભાને સંબોધિત કરી

સુરતમાં કેજરીવાલે કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાતો કરી રહ્યા છે. જેમાં તેઓ રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત તથા રાજકોટમાં સભાઓ કરી રહ્યા છે. તેવી જ રીતે અરવિંદ કેજરીવાલ આજે સુરત પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક સભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન કેજરીવાલે મોદી સરકાર પર નિશાન સાધતા મફત વીજળી સહિત ત્રણ મોટા વચનો આપ્યા હતા.

કેજરીવાલે કરેલ 3 મોટી જાહેરાતો

કેજરીવાલે કહ્યું કે 1 જુલાઈથી અમે પંજાબમાં વીજળી ફ્રી કરી દીધી છે, લોકો ઇચ્છે છે કે ગુજરાતમાં પણ વીજળી ફ્રી થાય. અમે દિલ્હી અને પંજાબમાં જે કર્યું છે તે ગુજરાતમાં કરીશું. AAPની સરકાર બન્યા બાદ ત્રણ મહિનામાં ગુજરાતમાં દરેક પરિવાર માટે 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. તો સાથોસાથ દરેક પરિવારને 24 કલાક વીજળી મળશે તેમ પણ કેજરીવાલે જણાવ્યું હતું. અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે જો અમારી સરકાર બનશે તો 31 ડિસેમ્બર 2021 સુધીના જુના ઘરેલુ વીજબીલ માફ કરવામાં આવશે.

મફત રેવડી ભગવાનનો પ્રસાદ : અરવિંદ કેજરીવાલ

કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ રેવડીવાળા નિવેદન ઉપર આડકતરી રીતે જવાબ આપતા કહ્યું કે કેટલાક લોકો રેવડી વિશે વાત કરી રહ્યા છે. મફત રેવડી જે લોકોમાં વહેંચવામાં આવે છે તેને ભગવાનનો પ્રસાદ કહેવામાં આવે છે. મફત વીજળી આપવી, સારી શાળાઓ બનાવવી, મફતમાં સારી સારવાર લેવી એ ભગવાનનો પ્રસાદ છે. પરંતુ જે તેમના મિત્રોને મફત રેવડી આપવામાં આવે છે તે પાપ છે.