ગુજરાતમાં કેજરીવાલે આપ્યા મોટા વચનો, જાણો શું જાહેરાતો કરી

  • vatannivat
  • 07-08-2022 11:15 AM

- ગુજરાતના દરેક બેરોજગાર યુવાનોને દિલ્હીની જેમ રોજગાર આપશે

- 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન કરશે

જ્યાં સુધી યુવાનોને રોજગાર નહીં મળે ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે : કેજરીવાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ગુજરાતના પ્રવાસો વધી રહ્યા છે. ત્યારે તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેઓ વડોદરા અને છોટા ઉદેપુર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે સભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન કેજરીવાલે મોદી સરકાર પર નિશાન સાધતા ઘણા મોટા વચનો આપ્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ ગુજરાતના દરેક બેરોજગાર યુવાનોને જેમ દિલ્હીમાં રોજગાર આપ્યો છે તેમ રોજગાર આપશે, જ્યાં સુધી તેમને રોજગાર નહીં મળે ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપશે. 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન કરશે. તો પેપર લીક સામે કડક કાયદો બનાવશે.

ગુજરાતમાં પણ મોકો મળે તો અહીં પણ વીજળીનું બિલ શૂન્ય થશે

કેજરીવાલે કહ્યું કે પંજાબમાં ગયા અઠવાડિયે 25 લાખ પરિવારોના વીજળી બિલ શૂન્ય પર આવી ગયા છે. 1 સપ્ટેમ્બર સુધીમાં વધુ 26 લાખ પરિવારોના બિલ શૂન્ય થઈ જશે. દિલ્હીમાં ઘણા વર્ષોથી બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ મોકો મળે તો અહીં પણ વીજળીનું બિલ શૂન્ય થઈ જશે.

કેજરીવાલે આદિવાસીઓને વચનો આપ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે સભા દરમ્યાન આદિવાસીઓ માટે મોટી જાહેરાતો કરી હતી. તેઓએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓની સરકાર આવશે તો 5મી શિડ્યુલ, PESA એક્ટ લાગુ કરવામાં આવશે અને TAC ચેરમેન પણ આદિવાસી હશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દરેક આદિવાસી વિસ્તારમાં શાળાઓ બનાવવામાં આવશે તેમજ આદિવાસી વિસ્તારોમાં મોહલ્લા ક્લિનિક્સ અને હોસ્પિટલો પણ ખોલવામાં આવશે. ત્યારે જાતિનું પ્રમાણપત્ર મેળવવું સરળ બનશે સાથોસાથ બેઘર આદિવાસીઓ માટે ઘર આપવાની પણ જાહેરાત કરી હતી. તો કેજરીવાલે દરેક આદિવાસી વિસ્તારમાં રોડ બનાવવાનું જણાવ્યું હતું.

ગુજરાતની ચૂંટણી AAP અને BJP વચ્ચે થશે

કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ ગુજરાત ભાજપમાં ભળવા જઈ રહી છે. ગુજરાતની ચૂંટણી AAP અને BJP વચ્ચે થશે. ભાજપ-કોંગ્રેસની ઇલુ-ઇલુનો અંત આવશે. એક તરફ ભાજપનું 27 વર્ષનું કુશાસન અને બીજી તરફ AAPની નવી રાજનીતિ. ભાજપે મિત્રોના 10 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. તે અંગે તપાસ થવી જોઈએ કે જેમની લોન માફ કરવામાં આવી છે તેઓએ ભાજપને કેટલું દાન આપ્યું.