શિવસેનાનાં ચૂંટણી ચિન્હ અને પક્ષના નામ અંગે કપિલ સિબ્બલનું નિવેદન

  • vatannivat
  • 21-02-2023 09:58 AM

- ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહારો 

- "EC એ SC ચુકાદાની રાહ જોવી જોઈએ": કપિલ સિબ્બલ 

ઉદ્ધવ ઠાકરે શિવસેનાનાં ચૂંટણી ચિહ્નનના મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા  

એકનાથ શિંદે જૂથને શિવસેનાનું ચૂંટણી ચિહ્ન આપવાના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા, તેઓએ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. ચૂંટણી પંચ પર ખોટા નિર્ણયો લેવાનો આરોપ લગાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે ચૂંટણી પંચે થોડી વધુ રાહ જોવી જોઈતી હતી. સુપ્રીમ કોર્ટમાં બુધવારે બપોરે 3.30 કલાકે ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધની અરજી પર સુનાવણી થશે.

સિબ્બલે ચૂંટણી ચિહ્ન અંગેનો મુદ્દો ઉઠાવ્યો 

સિબ્બલે બંધારણીય બેંચ સમક્ષ ચૂંટણી ચિન્હનો અંગેનો મુદ્દો પણ ઉઠાવી કહ્યું હતું કે, "ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયની રાહ જોવી જોઈતી હતી. ઓછામાં ઓછું ચૂંટણી પંચે ત્યાં સુધી આગળ વધવું જોઈતું ન હતું જ્યાં સુધી સ્પીકર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય ન કરે." સિબ્બલે વધુમાં કહ્યું કે શિવસેનામાં ભાગલા પડવાની વાત કહીને ચૂંટણી પંચે ભૂલ કરી છે. ગેરલાયક ઠરેલા ધારાસભ્યોની સંખ્યા પર આધાર રાખીને ચૂંટણી પંચે  ભૂલ કરી છે. ચૂંટણી પંચે બંધારણીય ખંડપીઠના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવાની જરૂર હતી. શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તેવી સંભાવના રહેલી છે. જ્યારે આ મામલો સુનાવણી માટે આવશે, ત્યારે આ કોર્ટે આ મુદ્દાની તપાસ કરવી જરૂરી બનશે. જેના જવાબમાં CJI ચંદ્રચુડે કહ્યું, “પરંતુ તમે ગઈકાલે જે અરજી દાખલ કરી છે તે ચૂંટણી પંચના નિર્ણય સામે સ્વતંત્ર પડકાર છે.

ચૂંટણી પંચે શિંદે જૂથને ચિન્હ અને પક્ષના ઉપયોગની મંજૂરી આપી 

શિવસેના પક્ષ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાની મંજૂરી પોતાના નિર્ણયમાં કેન્દ્રીય ચૂંટણી પંચે શિંદે જૂથને આપી હતી. આ અંગે સવાલ ઉઠાવતા શિવસેનાએ કહ્યું છે કે, જ્યારે 2018નું સંશોધિત બંધારણ અમલમાં હતું ત્યારે ચૂંટણી પંચે 1999ના બંધારણ પર વિચાર કર્યો હતો. 2018ના બંધારણને રેકોર્ડમાં મૂકવા માટે તેમને વધારે સમય આપવામાં આવ્યો ન હતો. 2018 ના સંશોધિત બંધારણ મુજબ, શિવસેનાના વડા પક્ષમાં સર્વોચ્ચ પ્રાધિકારી હશે, જે કોઈપણ પદ પર નિમણૂકોને રોકી શકે છે, દૂર કરી શકે છે અથવા તો તેને રદ કરી શકે છે તેમજ પક્ષની તમામ બાબતો પર જેમના નિર્ણયો અંતિમ હોય છે.