જૂનિયર NTRની ફિલ્મ 'NTR 30'ની ઓપનિંગ સેરેમની સ્થગિત, જાણો શું છે કારણ

  • vatannivat
  • 21-02-2023 05:44 AM

સાઉથ સુપરસ્ટાર જુનિયર NTRની ફિલ્મ 'RRR'એ બોક્સ ઓફિસ પર સફળતાના રેકોર્ડ બનાવ્યા છે. તે હાલમાં સફળતાની ઉજવણી કરી રહ્યો છે કારણ કે આ ફિલ્મે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ખુબ નામના કરી છે. જુનિયર NTRએ ફિલ્મ 'RRR'માં કોમારામ ભીમનું પાત્ર ભજવીને ચાહકોના હૃદયમાં એક આગવી છાપ ઉભી કરી છે. ત્યારે જુનિયર NTR પર હાલ દુઃખનો પહાડ પડ્યો છે, કારણ કે તાજેતરમાં તેના પિતરાઈ ભાઈ અને દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા નંદામુરી તારક રત્નનું નિધન થઈ ગયું છે. 
19 ફેબ્રુઆરીએ જુનિયર NTRના પિતરાઈ ભાઈ તારક રત્નાના નિધનને ધ્યાનમાં રાખીને, જે  જુનિયર NTRની ફિલ્મની ઓપનિંગ સેરેમની 24 ફેબ્રુઆરીએ થવાની હતી તે ફિલ્મ 'NTR 30' ની ઓપનિંગ સેરેમની હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. આ માહિતી તેલુગુ પબ્લિસિસ્ટ વાસ્મી કાકાએ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આપી હતી. કાકાએ આ અંગે જણાવ્યું કે ફિલ્મના ઓપનિંગ સેરેમનીની નવી તારીખની જાહેરાત મેકર્સ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે.

 

નંદમુરી તારક રત્નએ ગયા મહિને આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં TDPના મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ દ્વારા આયોજિત એક પદયાત્રામાં ભાગ લીધો હતો. તે પદયાત્રા દરમિયાન તારક બેહોશ થઈને જમીન પર પડી ગયા હતા. તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની માહિતી મળી હતી.