હરિયાણામાં ડોક્ટરો માટે જીન્સ, ટીશર્ટ અને ફંકી હેરસ્ટાઈલ પર પ્રતિબંધ મુકાયો

  • vatannivat
  • 14-02-2023 05:39 AM

- હોસ્પિટલોને પ્રોફેશનલ લુક આપવા માટે લેવાયો નિર્ણય: સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે

- નવો ડ્રેસ કોડ સરકારી હોસ્પિટલોના ડોક્ટરો સહિત ટેકનિશિયન, સફાઈ કર્મચારી, ડ્રાઈવર, ફિલ્ડ વર્કર સહિતના સ્ટાફને લાગુ



હરિયાણા સરકારે ડોક્ટરો માટે નવો ડ્રેસ કોડ લાગુ કર્યો. હવેથી ડોક્ટરો જીન્સ, ટીશર્ટ અને સ્કર્ટ પહેરીને હોસ્પિટલમાં નહિ આવી શકે. આ ઉપરાંત તેઓ ફંકી ગણાતી હેરસ્ટાઈલ અને લાંબા નખ પણ રાખી શકશે નહીં. હરિયાણા સરકારનો નવો આદેશ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં લાગુ કરવામાં આવશે. આ નવો ડ્રેસ કોડ સરકારી હોસ્પિટલોના ડોક્ટરો સહિત ટેકનિશિયન, સફાઈ કર્મચારી, માળી, ડ્રાઈવર, ફિલ્ડ વર્કર સહિતના સ્ટાફને પણ લાગુ કરવામાં આવશે. દરેક સ્ટાફ મેમ્બરે નેમ પ્લેટ પહેરવી ફરજીયાત કરવામાં આવી.

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે આ ડ્રેસ કોડ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, આ ડ્રેસ કોડ રજાના દિવસે પણ લાગુ રહેશે. કોઈપણ રંગના જીન્સ અને ટીશર્ટને પ્રોફેશનલ ડ્રેસ ગણી શકાય નહી. હોસ્પિટલને પ્રોફેશનલ લુક આપવા માટે નવો નિર્ણય લેવામાં આવ્યો છે

હરિયાણાના નર્સિગ વેલફેર સંગઠનના પ્રમુખના જણાવ્યા મુજબ, સરકારે નવા નિયમો બનાવતા પહેલા તેમની સલાહ લેવી જોઈતી હતી. તેમણે વધુમાં કહ્યું કે, આવો ડ્રેસ કોડ વહીવટી અધિકારીઓ પર પણ લાગુ કરવો જોઈએ. બીજી બાજુ, સોશિયલ મીડિયામાં અનેક ડોક્ટરોએ નવા નિયમોનો વિરોધ કર્યો હતો.