પાટડી તાલુકાના માનાવાડા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને કોમ્યુનિટી હોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

  • vatannivat
  • 28-02-2024 03:24 PM

-કેન્દ્રીય રાજ્ય મંત્રીના વરદ હસ્તે રૂપિયા ૧૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું

 સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માનાવાડા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને કોમ્યુનિટી હોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રીના વરદ હસ્તે રૂપિયા ૧૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોદન કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આજે માનાવાડા ગામમાં કોમ્યુનિટી હોલ બનવાથી ગ્રામ પંચાયતની સુવિધામાં વધારો થયો છે. જેનો લાભ પંચાયત અને ગ્રામજનોને મળશે.


- સરકાર દ્વારા શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી

શૈક્ષણિક સુવિધાઓ અંગે જાણકારી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે આજે કોઈપણ બાળક પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેની સરકાર સતત દરકાર લઈ રહી છે. શાળામાં વર્ગખંડ, લાઇબ્રેરી, અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જેથી શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે તેમ જણાવતા મંત્રી ઉમેર્યું હતું કે, આજે વિજ્ઞાન અને ટેકનોલોજી, અવકાશ ક્ષેત્ર જેવા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું ખૂબ મોટું પ્રદાન છે. સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ બાબતે વિશેષ ભાર આપવામાં આવે છે. વિદ્યાર્થીનીઓની ટ્યુશન ફી, હોસ્ટેલ ફી તેમજ તેમને વિદેશ અભ્યાસ માટે લોન પણ આપવામાં આવે છે. આ તકે મંત્રીએ સુરેન્દ્રનગર જિલ્લાની દીકરીઓ પણ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય બબીબેન સરદારજી સુરેલા, અગ્રણી સર્વ જેસંગ ચાવડા, ધવલ પટેલ, સોનાજી ઠાકોર, ખેંગાર ડોડીયા, સુરા રબારી, નરેન્દ્ર મુંજપરા, ઇન્ચાર્જ મામલતદાર ધવલ પુરોહિત, તાલુકા વિકાસ અધિકારી જે.જે. ચૌધરી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.