ચિરિપાલ ગ્રુપ અને તેના સાથે સંકળાયેલા 40 જેટલા સ્થળોએ ITનાં દરોડા

  • vatannivat
  • 20-07-2022 11:54 AM

- ચિરિપાલ ગ્રુપ પર અમદાવાદમાં દરોડા

- મોટી કરચોરી, બિનહિસાબી વ્યવહાર ઝડપાય તેવી શક્યતા

આવકવેરા વિભાગના આશરે 150 જેટલા અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા

આવકવેરા વિભાગે ટેક્સટાઈલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા ચિરિપાલ ગ્રુપ પર અમદાવાદમાં સપાટ્ટો બોલાવ્યો છે. આઈટી વિભાગ દ્વારા  શહેરના બોપલ વિસ્તારમાં આવેલ ચિરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે. તેની સાથોસાથ કંપનીના સંસ્થાપક અને ચેરમેન વેદપ્રકાશ ચિરિપાલ, કંપનીના ડિરેક્ટર્સ- વિશાલ ચિરિપાલ અને રોનક ચિરિપાલ તથા એમડી જ્યોતિપ્રસાદ ચિરિપાલ સાથે સંકળાયેલા અન્ય 35-40 સ્થળોએ પણ દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના આશરે 150 જેટલા અધિકારીઓ દરોડાની આ કામગીરીમાં જોડાયા હોવાની માહિતી જાણવા મળી હતી.

નંદન ડેનિમ અને વિશાલ ફેબ્રિક્સખાતે પણ આઈટીની તપાસ

આઈટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ મેગા સર્ચ ઓપરેશનમાં શહેરના પ્રખ્યાત એવા ચિરિપાલ ગ્રુપ પર તવાઈ બોલાવી છે. આવકવેરા વિભાગ છેલ્લા ઘણાં સમયથી શહેરમાં સક્રિય છે. જેના લીધે અમદાવાદના વેપારીઓ તથા બિઝનેસ ગ્રુપ્સમાં ભારે ખળભળાટ મચેલો છે. ચિરિપાલ ગ્રુપ ઉપરાંત નંદન ડેનિમ અને વિશાલ ફેબ્રિક્સખાતે પણ આઈટીની તપાસ ચાલી રહી છે અને ભારે મોટી કરચોરી, બિનહિસાબી વ્યવહાર ઝડપાય તેવી શક્યતા જણાઈ રહી છે.

અગાઉ પણ ચર્ચામાં આવ્યું હતું ચિરિપાલ ગ્રુપ

અગાઉ પણ અનેક વખત ચિરિપાલ ગ્રુપનું નામ ચર્ચામાં આવી ચુક્યું છે. થોડા મહિનાઓ અગાઉ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી યોગીરાજ એસ્ટેટમાંથી સબસિડીવાળા કૃષિ ખાતર, યુરિયાનો જથ્થો ઝડપાયો હતો. તે મામલે પોલીસે ગોડાઉનના માલિક સહિત 2 લોકોની ધરપકડ કરી હતી. તેઓ અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદની ફેક્ટરીઓ અને ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીને પોતાના નામની કંપનીની થેલીમાં યુરિયાનો જથ્થો સપ્લાય કરતા હતા.