જોશીમઠ અંગે ISROએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો શું ખુલાસો કર્યો

  • vatannivat
  • 13-01-2023 07:59 AM

- 12 દિવસમાં 5.4 સેમી ડૂબી જમીન, સેટેલાઇટ તસવીર જાહેર 

- એપ્રિલ અને નવેમ્બર 2022 ની વચ્ચે, જમીન ઘટવાનો દર ઘણો ઓછો હતો

27 ડિસેમ્બરથી 8 જાન્યુઆરીની વચ્ચે જોશીમઠની જમીનમાં 5.4 સેમીનો ઘટાડો થયો

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)એ જોશીમઠને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈસરોના રિપોર્ટ પ્રમાણે જોશીમઠમાં માત્ર 12 દિવસમાં 5.4 સેમી જમીન ડૂબી ગઈ છે. ઈસરો દ્વારા જોશીમઠની સેટેલાઇટ તસવીરો પણ જાહેર કરવામાં આવી છે, તે મુજબ 27 ડિસેમ્બરથી 8 જાન્યુઆરીની વચ્ચે જોશીમઠની જમીનમાં 5.4 સેમીનો ઘટાડો થયો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ઘટના 2 જાન્યુઆરી, 2022ના રોજ શરૂ થઈ હતી.

ઈસરોએ રિપોર્ટમાં શું કહ્યું

ઈસરો દ્વારા તેના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એપ્રિલ અને નવેમ્બર 2022 વચ્ચે જમીનમાં ઘટાડો થવાનો દર ઘણો ઓછો હતો. આ દરમિયાન જોશીમઠ નવ સેન્ટિમીટર નીચે ગયું હતું. ISROએ જણાવ્યું છે કે સબસિડન્સનો તાજ 2180 મીટરની ઉંચાઈ પર જોશીમઠ-ઓલી રોડ નજીક સ્થિત છે. જમીન ધસી જવાને કારણે જોશીમઠ-ઓલી રોડ પણ તૂટી જવાનો હોવાનું જાણવા મળ્યું છે. કાર્ટોસેટ-2એસ સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં ઈસરોએ જોશીમઠમાં આર્મી હેલિપેડ અને નરસિંહ મંદિર સહિત સમગ્ર નગરને સંવેદનશીલ વિસ્તાર તરીકે ચિહ્નિત કર્યું છે.

ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS)એ પણ સરકારને રિપોર્ટ સોંપ્યો

ઈસરો ઉપરાંત ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS)એ પણ સરકારને રિપોર્ટ સોંપ્યો છે. આ પ્રમાણે જોશીમઠ દર વર્ષે 6.62 સેમી એટલે કે લગભગ 2.60 ઈંચ ડૂબી રહ્યું છે. આઈઆઈઆરએસે લગભગ બે વર્ષ સુધી સેટેલાઈટ ઈમેજનો અભ્યાસ કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. IIRS દેહરાદૂનના વૈજ્ઞાનિકોએ જુલાઈ 2020થી માર્ચ 2022 દરમિયાન જોશીમઠ અને તેની આસપાસના છ કિલોમીટરના વિસ્તારની સેટેલાઇટ તસવીરોનો અભ્યાસ કર્યો હતો.