મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટનું કડક વલણ, નગરપાલિકાને આપી ચેતવણી

  • vatannivat
  • 16-11-2022 11:48 AM

- નગરપાલિકાને સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવામાં વિલંબ પર ચેતવણી આપી

- મોરબી પુલ દુર્ઘટનામાં 140 થી વધુ લોકોના મોત થયા હતા

એક લાખનો દંડ કરવાની ચેતવણી

30 ઓક્ટોબરના રોજ થયેલા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટે આજે ફરી કડક વલણ અપનાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે આજે ફરીથી નગરપાલિકાને બે નોટિસ અપાયા બાદ પણ સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવામાં વિલંબ પર ચેતવણી આપી છે. હાઈકોર્ટે પાલિકાના વકીલને કહ્યું કે તમે આ મામલાને હળવાશથી લઈ રહ્યા છો. આજે સાંજ સુધીમાં જવાબ દાખલ કરો. જવાબ દાખલ ન કરવા બદલ પાલિકાને એક લાખનો દંડ ફટકારવાની ચેતવણી હાઇકોર્ટ દ્વારા આપવામાં આવી છે. નોંધનીય છે કે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 140 થી વધુ લોકોના મોત થયા હતા. 

નગરપાલિકાનાં વકીલે શું કહ્યું

હાઈકોર્ટમાં હાજર મોરબી નગરપાલિકાના વકીલે જણાવ્યું હતું કે, પાલિકાના ઈન્ચાર્જ અને ડેપ્યુટી કલેક્ટર ચૂંટણી ફરજ પર છે. નોટિસ ડેપ્યુટી કલેક્ટરને મોકલવી જોઈતી હતી, પરંતુ તે 9 નવેમ્બરે સ્થાનિક નગરપાલિકાને આપવામાં આવી હતી. જેના કારણે હાઈકોર્ટમાં જવાબ દાખલ કરવામાં વિલંબ થયો હતો.

પુલનાં સમારકામની કોન્ટ્રાકટ પ્રક્રિયા અંગે હાઇકોર્ટે જવાબ માંગ્યો 

મોરબી નગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવનાર સ્ટેટસ રિપોર્ટમાં બ્રિજ કઇ રીતે ધરાશાયી થયો તે બહાર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ મામલાની સુઓમોટો સંજ્ઞાન લેતા હાઇકોર્ટે રાજ્ય સરકારના છ વિભાગો પાસેથી જવાબ માંગ્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રી આ કેસની સુનાવણી કરી રહ્યા છે. 150 વર્ષ જૂના મોરબી બ્રિજની જાળવણીનો કોન્ટ્રાક્ટ કઈ રીતે આપવામાં આવ્યો તે અંગે સવાલ ઉઠાવતા મંગળવારે હાઈકોર્ટે પાલિકા પાસે જવાબ માંગ્યો હતો. બ્રિજના સમારકામ માટે કોન્ટ્રાક્ટ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો.

શા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી : હાઇકોર્ટ

મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે ગુજરાતના મુખ્ય સચિવને પૂછ્યું હતું કે સરકારી બ્રિજના સમારકામ માટે ટેન્ડર કેમ બહાર પાડવામાં આવ્યું નથી? શા માટે ટેન્ડરની બોલી બોલાવવામાં નથી આવી? આટલા મહત્વના કામનો કોન્ટ્રાક્ટ માત્ર દોઢ પાના પૂરતો સિમિત કેવી રીતે રહ્યો? શું રાજ્ય સરકારે મેન્ટેનન્સ કંપનીને કોઈ છૂટછાટ આપી હતી? અગાઉ 7 નવેમ્બરના રોજ હાઈકોર્ટે સૂઓમોટો કરી જાહેર હિતની અરજીના રૂપમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે મુખ્ય સચિવ અને ગૃહ સચિવને પ્રતિવાદી બનાવીને સોમવાર સુધીમાં સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.