CR પાટીલની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા

  • vatannivat
  • 02-06-2022 11:09 AM

- આજે બપોરે વિજય મુહૂર્તમાં ભાજપમાં જોડાયા હાર્દિક પટેલ 

- 18 મે એ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું 


હું નાના સૈનિક તરીકે કામ કરીશ: હાર્દિક 


કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેઓએ બપોરે કમલમખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પક્ષનું સભ્યપદ લીધું હતું. ભાજપમાં જોડાતા પહેલા હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું હતું કે રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં હું નાના સૈનિક તરીકે કામ કરીશ.


હું પદનો લોભી નથીઃ હાર્દિક પટેલ


હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મે આજદિન સુધી પદના લોભમાં ક્યાંય કોઈ પ્રકારની માંગણી કરી નથી. મે કોંગ્રેસ પણ કામ માંગીને છોડી અને ભાજપમાં પણ કામની વ્યાખ્યામાં જોડાઈ રહ્યો છું. નબળા લોકો સ્થાન વિશે ચિંતા કરે છે. મજબૂત લોકો ક્યારેય સ્થાનની ચિંતા કરતા નથી.


કોંગ્રેસ પાર્ટીથી નારાજ નેતાઓને ભાજપમાં સામેલ કરીશુંઃ હાર્દિક


હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં દર 10 દિવસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં કોંગ્રેસ પક્ષથી નારાજ ધારાસભ્યો, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના સભ્યો, મહાનગરપાલિકાના સભ્યોને ભાજપમાં જોડવામાં આવશે.


18 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું


અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે 18 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા તેમનું આ પગલું કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. કોંગ્રેસ છોડતા પહેલા હાર્દિકે પાર્ટી ચીફ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટીની નીતિ અંગે ઉગ્ર વાત કરી હતી.