ગોધરાકાંડનાં દોષિતોની સજા અંગે ગુજરાત સરકારનું સુપ્રીમમાં નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 20-02-2023 09:30 AM

- ગોધરાકાંડના દોષિતોને ફાંસીની સજા અપાવવાનો પ્રયત્ન કરીશું : ગુજરાત સરકાર

- ગોધરાકાંડમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા

ટ્રાયલ કોર્ટે કરેલ સજાને ગુજરાત હાઇકોર્ટે ફેરવી હતી

ગોધરાકાંડના આરોપીઓ મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ દરમ્યાન ગુજરાત સરકારે આજે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે ગોધરા કાંડના 11 દોષિતોને ફાંસીની સજા અપાવવાના પ્રયાસો કરશે. નોંધનીય છે કે ટ્રાયલ કોર્ટે ગોધરાકાંડના દોષિતોને સંભળાવેલ ફાંસીની સજાને ગુજરાત હાઈકોર્ટે આજીવન કેદમાં ફેરવી દીધી હતી. સુપ્રીમ કોર્ટ ગોધરાકાંડના અનેક આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે આરોપીના જામીન પર સુનાવણી માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. 

ગોધરા કાંડમાં ટ્રાયલ કોર્ટે 11 દોષિતોને ફાંસીની સજા અને 20 અન્યને આજીવન કેદની સજા ફટકારી હતી

સુપ્રીમ કોર્ટે બંને પક્ષોના વકીલોને આ સમયગાળા દરમિયાન આરોપીઓએ જેલમાં વિતાવેલો સમય અને તેમને થયેલી સજાની માહિતી આપતી ચાર્ટ ફાઈલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખંડપીઠને કહ્યું હતું કે અમે દોષિતોને ફાંસી પર લટકાવવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરીશું. આ રેરેસ્ટ ઓફ રેર કેસમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ટ્રેનની બોગીને બહારથી લોક કરી આગ લગાડવામાં આવી હતી. જેના કારણે 59 લોકોના મોત થયા છે. ગોધરા કાંડમાં ટ્રાયલ કોર્ટે 11 દોષિતોને ફાંસીની સજા અને 20 અન્યને આજીવન કેદની સજા ફટકારી હતી. ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે 11 આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. ગુજરાત સરકારે ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. 

સુપ્રીમે રાજ્ય સરકારને પાઠવી નોટિસ

સુપ્રીમ કોર્ટે આરોપી અબ્દુલ રહેમાન ધંતિયા અને અબ્દુલ સત્તાર, ઈબ્રાહિમ ગદ્દીની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. જેનો રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ગોધરા કાંડના દોષિત ફારુકને આજીવન કેદની સજા ફટકાર્યાના 17 વર્ષ બાદ જામીન આપ્યા હતા.