મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારને લગાવી ફટકાર, જાણો શું કહ્યું

  • vatannivat
  • 15-11-2022 10:23 AM

- હાઈકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવતાં કહ્યું કે હોશિયારી ના બતાવો

- મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા

હાઇકોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી 

ગુજરાતમાં મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે પુલના સમારકામ માટે કોન્ટ્રાક્ટ આપવાની પદ્ધતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તો કોર્ટે મુખ્ય સચિવને બોલાવીને પૂછ્યું હતું કે આટલા મહત્વપૂર્ણ કામ માટે શા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા નથી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠ દ્વારા એ પણ પૂછવામાં આવ્યું કે આ મહત્વપૂર્ણ કામ માટેનો કરાર માત્ર દોઢ પેજમાં કેવી રીતે પૂર્ણ થયો? નોંધનીય છે કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ પછી હાઈકોર્ટે આ મામલાની નોંધ લીધી હતી અને છ વિભાગો પાસેથી જવાબ મંગાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં અરજી પણ સ્વીકારવામાં આવી

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચનાની માંગ કરતી PILની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સોમવારે સંમત થઈ હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે પીઆઈએલ દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીની રજૂઆતની નોંધ લીધી હતી કે આ મામલે તાત્કાલિક સુનાવણીની જરૂર છે. બેંચે પૂછ્યું કે અમને પેપર્સ મોડા મળ્યા, અમે તેને સૂચિબદ્ધ કરીશું. તાત્કાલિક શું જરૂર છે? વકીલે કહ્યું કે, આ મામલામાં તાત્કાલિકે જરૂર છે કારણ કે દેશમાં ઘણા જૂના માળખાં છે, આ બાબતની પ્રાથમિકતાના આધારે સુનાવણી કરવામાં આવે.

અરજીમાં શું કહેવામાં આવ્યું?

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો બ્રિટિશ જમાનાનો પુલ ધરાશાયી થતાં મૃત્યુઆંક વધીને 134 થયો છે. તિવારીએ અરજીમાં કહ્યું હતું કે આ અકસ્માત સરકારી અધિકારીઓની બેદરકારી અને ઘોર નિષ્ફળતા દર્શાવે છે. પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક દાયકામાં આપણા દેશમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં ગેરવહીવટ, ફરજમાં ચુકતા અને જાળવણીની બેદરકારીને કારણે મોટી સંખ્યામાં જાનહાનિના કિસ્સા બન્યા છે જેને ટાળી શકાયા હોત. રાજ્યની રાજધાની ગાંધીનગરથી લગભગ 300 કિમી દૂર સ્થિત એક સદીથી વધુ જૂનો પુલ દુર્ઘટનાના પાંચ દિવસ પહેલા વ્યાપક સમારકામ અને નવીનીકરણ પછી ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તે 30 ઓક્ટોબરે સાંજે 6.30 કલાકે તૂટી પડ્યો હતો.