ભારત જોડો યાત્રા ઉપર ગુજરાત ભાજપ અધ્યક્ષના પ્રહાર, જાણો શું કહ્યું

  • vatannivat
  • 04-10-2022 07:33 AM

- રાહુલના દિલમાં ગુજરાત માટે કોઈ જગ્યા નથી : ગુજરાત ભાજપ અધ્યક્ષ 

- ગુજરાતના પડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પસાર થશે યાત્રા 

પાટીલના રાહુલ ગાંધી પર પ્રહારો 

કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર શરૂઆતથી જ ભાજપ આક્રમક છે. ત્યારે હવે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે પણ ટોણો માર્યો છે. સોમવારે ભાજપના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધતા પાટીલે કહ્યું હતું કે એક તરફ કોંગ્રેસ દેશભરમાં ભારત જોડો યાત્રા કાઢી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસની ગુજરાત બહારની યાત્રાને લઈને કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના દિલમાં ગુજરાત માટે કોઈ સ્થાન નથી. કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગુજરાતની બહાર નીકળી રહી છે તે તેના સ્પષ્ટ પુરાવા છે. સીઆર પાટીલે પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ભારત જોડો યાત્રા કાઢે છે, પરંતુ ગુજરાતને બાજુ એ રાખે છે. કારણ કે તેમના હૃદયમાં ગુજરાત માટે કોઈ સ્થાન નથી. એટલા માટે તે અહીં આવવા માંગતા નથી.

ગુજરાતની જનતા આગામી ચૂંટણીમાં પણ કોંગ્રેસને નકારશે 

ગુજરાત ભાજપ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતા છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસને નકારી રહી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર એવું જ થશે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા સી.આર.પાટીલે કહ્યું કે 2017ની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ એવા નારા લગાવતી હતી કે 'વિકાસ' ગાંડો થઈ ગયો છે, હવે જે પાર્ટી આવા નારા લગાવતી હતી તે પાગલ થઈ ગઈ છે.

ભારત જોડો યાત્રા યાત્રા 12 રાજ્યોમાં 3,750 કિમીનું અંતર કાપશે

કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. આ યાત્રા 12 રાજ્યોમાં 3,750 કિમીનું અંતર કાપશે, પરંતુ આ રાજ્યોમાં ગુજરાતનું નામ નથી. જો કે, તે ગુજરાતના પડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી યાત્રા પસાર થશે. નોંધનીય છે કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 'ભારત જોડો યાત્રા' શરૂ થયાના બે દિવસ પહેલા 5 સપ્ટેમ્બરે છેલ્લી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.