ગુજરાત AAPનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા કતારગામથી વિધાનસભા ચૂંટણી લડશે

  • vatannivat
  • 09-11-2022 12:06 PM

- ગુજરાત આમ આદમી પાર્ટીનાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ બેઠક ઉપરથી ચૂંટણી લડશે 

- આમ આદમી પાર્ટીનાં સંયોજન અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત 

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 12 યાદી જાહેર કરી છે

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થનાર છે. આ માટે 5 નવેમ્બરે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 14 નવેમ્બર સુધી નામાંકન કરી શકાશે. 15 નવેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચી શકાશે. આવી સ્થિતિમાં ટિકિટને લઈને તમામ પક્ષોમાં હોબાળો ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ રાજ્યમાં અત્યાર સુધીમાં ઉમેદવારોની 12 યાદી જાહેર કરી છે. ત્યારે રાજ્યમાં પાર્ટીનાં મહત્વના બે હોદ્દા ઉપર રહેલ ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયા ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાહેરાત કરી છે.

AAPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પ્રખ્યાત ક્રિકેટર હરભજન સિંહનું નામ પણ સામેલ છે. હરભજન સિંહ આ વખતે આમ આદમી પાર્ટી માટે વોટ માંગતો જોવા મળશે. આ વખતે આમ આદમી પાર્ટી દ્વારા હરભજન સિંહને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા છે.  

સ્ટાર પ્રચારકોની યાદી

અરવિંદ કેજરીવાલ (મુખ્યમંત્રી, દિલ્હી), મનીષ સિસોદિયા (નાયબ મુખ્યમંત્રી, દિલ્હી),  ભગવંત માન (મુખ્યમંત્રી, પંજાબ), સંજયસિંહ, રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા, યુવરાજસિંહ જાડેજા, મનોજ સોરઠીયા, જગમાલ વાળા, રાજુ સોલંકી, પ્રવીણ રામ, ગૌરી દેસાઈ, માથુર બલદાણીયા, અજીત લોખીલ, રાકેશ હીરાપરા, બિજેન્દ્ર કૌર, અનમોલ ગગન માન.

રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી : કેજરીવાલ

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે. બીજી તરફ રાજ્યના મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને બંનેની ઉમેદવારીની જાહેરાત કરી હતી. કેજરીવાલે લખ્યું હતું કે, 'રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં ગુજરાતની જનતા અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ વિધાનસભાથી ચૂંટણી લડાવશે, હું બંને યુવાનોને શુભેચ્છા પાઠવું છું. નોંધનીય છે કે સુરતની વરછા રોડ બેઠક પરથી પાટીદાર આંદોલનનો મોટો ચહેરો અને સમર્થકોમાં ગબ્બર તરીકે જાણીતા અલ્પેશ કથીરિયાને પાર્ટીએ ટિકિટ આપી છે. પાર્ટીએ ઓલપાડ બેઠક પરથી અલ્પેશના મજબૂત સાથીદાર ધાર્મિક માલવિયાને ટિકિટ આપી છે.