કોરોનાની આગામી લહેરની સાવચેતીના પગલે ડબલ બુસ્ટર ડોઝ અંગે સરકારની વિચારણા, જાણો IMAએ શું કહ્યું

  • vatannivat
  • 27-12-2022 08:44 AM

- IMAએ વધુ એક બુસ્ટર ડોઝ એટલે કે કોરોના રસીના ચોથા ડોઝની જરૂરિયાત વ્યક્ત કરી

- અન્ય દેશોમાં પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈ ચોથો ડોઝ અથવા બીજા બૂસ્ટર ડોઝની વિચારણા

અન્ય દેશોમાં બૂસ્ટર ડોઝ છતાં કોરોનાને કારણે હાહાકાર

ચીન, જાપાન, સાઉથ કોરિયા અને થાઈલેન્ડ સહિત અનેક દેશોમાં કોરોનાનાં હાહાકાર વચ્ચે ભારતમાં પણ નવી લહેર આવવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર તેને રોકવા માટે તૈયારી કરી રહી છે. તો તેને લઈને સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથેની બેઠકમાં IMAએ વધુ એક વધારાના ડોઝ એટલે કે કોરોના રસીના ચોથા ડોઝની જરૂરિયાત વ્યક્ત કરી હતી. જે દેશોમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે, ત્યાં રસીના બૂસ્ટર ડોઝ છતાં આ સ્થિતિ સર્જાઈ છે.

દેશવાસીઓને કોરોના રસીના બે ડોઝ ફરજિયાતપણે આપવામાં આવ્યા

મળતી માહિતી મુજબ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને અન્ય ટોચના ડોક્ટરો સાથે વાતચીત કરી હતી. જેમાં દેશમાં કોરોનાની સમીક્ષા કરવામાં આવી હતી. જે બેઠકમાં ડોકટરોએ લોકોને બીજા બૂસ્ટર ડોઝની મંજૂરી આપવા વિનંતી કરી હતી. નોંધનીય છે કે, દેશવાસીઓને કોરોના રસીના બે ડોઝ ફરજિયાતપણે આપવામાં આવ્યા છે. ત્રીજો વધારાનો કે બુસ્ટર ડોઝ આપવાની કામગીરી પણ ચાલી રહી છે. ચીન અને અન્ય દેશોમાં પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈને ચોથો ડોઝ અથવા બીજો બૂસ્ટર ડોઝ વિચારણા હેઠળ છે.

આજે દેશના ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન 

સ્વાસ્થ્ય મંત્રી માંડવીયાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા IMA સાથે આ બેઠક યોજી હતી. જેમાં દેશમાં કોરોનાના નવા મોજાની આશંકાને ધ્યાનમાં રાખીને ટોચના તબીબી નિષ્ણાતો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે ચીનમાં મોટી સંખ્યામાં લોકોએ બૂસ્ટર ડોઝ લીધા પછી પણ Omicron ના BF.7 વેરિઅન્ટના સંપર્કમાં આવ્યા હતા. સરકારે દેશભરમાં કોવિડ કેસ, શ્વસન દર્દીઓ અને ઈન્ફલ્યુએન્ઝાના દર્દીઓ પર નજર રાખવા સૂચનાઓ આપી છે. આજે દેશના ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં પણ મોકડ્રીલ કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.