રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ GIDR ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની રાષ્ટ્રીય કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ

  • vatannivat
  • 24-02-2024 04:42 PM

 -પ્રાકૃતિક ખેતી : ઉદ્યોગસાહસિકો માટે સંભાવનાનું સર્જન કરવું, ખાદ્ય સુરક્ષા હાંસલ કરવી અને સુદ્રઢ કૃષિ માટે સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન : થીમ પર કોન્ફરન્સનું આયોજન 

-ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ (GIDR), ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી તથા આંત્રપ્રિનિયોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરાયું આયોજન

- બે દિવસીય  કોન્ફરન્સમાં કૃષિ નિષ્ણાતો પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત વિચાર-વિમર્શ કરશે 

   રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદના GIDR ખાતે  પ્રાકૃતિક કૃષિ વિષયક બે દિવસીય નેશનલ કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. આ કોન્ફરન્સ 'પ્રાકૃતિક ખેતી : ઉદ્યોગસાહસિકો માટે સંભાવનાનું સર્જન કરવું, ખાદ્ય સુરક્ષા હાંસલ કરવી અને સુદ્રઢ કૃષિ માટે સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન' થીમ (Natural Farming : Creating Entrepreneuria  Opportunities, Achieving Food Security and Promoting inclusive growth for sustainable agriculture) પર યોજાશે.

અમદાવાદના GIDR ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ કરવી આવશ્યક છે ત્યારે આ મહત્વપૂર્ણ કાર્યશાળા યોજાઈ છે તે આનંદની વાત છે. રાજ્યપાલએ કહ્યું હતું કે, હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગ એ સૌથી મોટી સમસ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગ્લોબલ વોર્મિંગનું 24% કારણ રાસાયણિક અને જૈવિક ખેતી છે. ત્યારે જો આપણે ગ્લોબલ વોર્મિંગને બચાવવું હશે તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ.

-વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે, દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી ધરતીને ઝેરમુકત કરીએ.

રાસાયણિક ખેતીને ઝેરનું માધ્યમ ગણાવતા રાજ્યપાલએ કહ્યું કે, આજથી 50 વર્ષ પહેલાં કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક શું છે તે કોઈને ખબર ન્હોતી જ્યારે આજે અનેક લોકો આવા રોગોનો શિકાર બની રહ્યા છે, તેવું કારણ ફકત રાસાયણિક ખેતી છે. આજે એક બાજુ યુરિયા, DAP જેવા ખાતરના વપરાશમાં વધારો થતો જાય છે ત્યારે બીજી બાજુ કેન્સર જેવા રોગોમાં પણ વધારો થાય છે જે ચિંતાનો વિષય છે, તેવું રાજ્યપાલએ ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે, સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી ધરતીને ઝેરમુક્ત કરીએ.

રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીથી થયેલ ફાયદાનો સ્વાનુભવ વર્ણવતાં કહ્યું કે, રાસાયણિક ખેતીની સાપેક્ષમાં પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો ઓછો અને ઉત્પાદન વધુ થાય છે. ઉપસ્થિત સૌ લોકોને ગેરંટી આપતા રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનમાં દર વર્ષે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે જેના લીધે સૂક્ષ્મ જીવો અને પોષક તત્વોનું પ્રમાણ પણ વધે છે.

-રાજ્યમાં 9 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.

તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ઉપસ્થિત ખેડૂતોને આહ્વાન કરતાં રાજ્યપાલએ ઉમેર્યું કે, દેશમાં જેવી રીતે હરિત ક્રાંતિ થઈ તેવી જ રીતે આપણે સાથે મળીને પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ કરવી જોઈએ.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ કોન્ફરન્સ બદલ આયોજકોને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, મને આશા છે કે પ્રાકૃતિક ખેતીની આ કોન્ફરન્સ થકી અનેક ખેડૂતો આ ચળવળમાં જોડાઈ આવનારી પેઢી માટે ઉત્તમ ભવિષ્યનું નિર્માણ કરશે.આ પ્રસંગે કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી વધારવાના ઉદ્દેશ સાથે આ કોન્ફરન્સનું આયોજન કરાયું તે આનંદની વાત છે. અહીં ઉપસ્થિત સૌ નિષ્ણાંતો અને ખેડૂતોના સંવાદ થકી આ ચળવળને આગળ વધારવા પ્રોત્સાહન મળશે તેવું તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલ દ્વારા ચલાવાતા પ્રાકૃતિક ખેતીના અભિયાનની એ.કે.રાકેશે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે દિશામાં અમે કાર્યરત છીએ.

આ પ્રસંગે GIDR ના નિયામક ડો.નિશા પાંડેએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, ગુજરાતની ધરતીથી અનેક વાર દેશને દિશા મળી છે ત્યારે રાજ્યપાલ દ્વારા ચલાવાતા પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં પણ દેશને ગુજરાતથી જ દિશા મળશે. આ કોન્ફરન્સમાં રાજ્યપાલ માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહ્યા તે બદલ ડો.નિશા પાંડેએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

-કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ દ્વારા પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર આયોજન ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ (GIDR), ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી તથા આંત્રપ્રિનિયોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરાયું છે, જેમાં વિવિધ યુનિવર્સિટીના કુલપતિ, શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતો, વિવિધ રાજ્યના વૈજ્ઞાનિકો તથા પ્રગતિશીલ ખેડૂતો સહભાગી થયા છે.આ કોન્ફરન્સમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી તથા તેના ફાયદાઓ અંગે ચર્ચા કરવામાં આવશે, આ ઉપરાંત ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી વિશેની જાગૃતતા ફેલાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. વિવિધ કૃષિ તજ્જ્ઞો, વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહી ખેડૂતો સાથે સંવાદ સાધી માહિતી આપશે. આ ઉપરાંત સફળ મહિલા/પુરુષ ખેડૂતો પણ હાજર રહી પોતાની ગાથા વર્ણવશે.

આ પ્રસંગે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.સી.કે ટીમ્બડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.