STમાં મુસાફરી કરતા લોકોને સરકારની ભેટ, 100 થી વધુ ST લક્ઝરીનું લોકાર્પણ

  • vatannivat
  • 13-02-2023 10:06 AM

- મુખ્યમંત્રીએ 151 ST લક્ઝરી બસની શરૂઆત કરાવી 

- આજે CMનાં હસ્તે નવી 151 બસનો થયો પ્રારંભ

ગુજરાત રાજ્યના નાગરિકોના હિત માટે લક્ઝરી ST બસની સેવાનો પ્રારંભ

ગુજરાત રાજ્યની પરિવહન વ્યવસ્થા સુદ્રઢ અને સરળ બનાવવા નાગરિકોના હિતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરથી 151 જેટલી નવીન લક્ઝરી ST બસોને લીલી ઝંડી આપી સેવાનો પ્રારંભ કરાવામાં આવ્યો હતો. આ સાથે જ આ બસને નાગરિકોની સુવિધાઓમાં મુકવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે CMના હસ્તે નવી 151 બસનો પ્રારંભ થયો હતો. ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 151 લક્ઝરી એસટી બસની શરૂઆત કરી હતી. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટિ્‌વટ કરીને આ વિશે માહિતી આપી હતી.

તૈયાર થયેલ બસ તમામ જિલ્લામાં ફાળવવામાં આવશે  

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22માં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી તેમજ 200 સ્લીપર કોચ એમ કુલ 1000 નવા વાહન ખરીદવા રૂ. 310 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ 500 સુપર એક્સપ્રેસ વાહનો પૈકી 151 નવા સુપર એક્સપ્રેસ વાહનો હાલમાં તૈયાર થઇ ગયેલ છે. જયારે બાકીના વાહનો તબક્કાવાર તૈયાર થઈ રહ્યા છે. તૈયાર થયેલ બસો નિગમના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.

સુપર એક્સપ્રેસ બસમાં આરામદાયક સુવિધાઓ 

આ 151 નવી સુપર એક્સપ્રેસ બસમાં 52 મુસાફરો માટે આરામદાયક સુવિધા માટે 3X2 હાઈબેક શીટ, ઈન-સાઈડ આકર્ષક દેખાવ માટે ACP  શીટ, ગ્રેબરેલ પાઇપ અને કંડકટર પાર્ટીશન, બાહ્ય આકર્ષક દેખાવ માટે ફ્રન્ટ અને રિયરમાં FRP શો, ફન્‌ અને પેનીક બટન, રિવર્સ પાર્કિંગ સેન્સર, સિલિકોન બેઝ મેટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

ત્રણ LNG બસનું કર્યું લોકાર્પણ

પર્યાવરણના જતનની સાથે સાથે નાગરિકોની યાતાયાત સુવિધાઓમાં વધારો થાય તે આશયથી રાજ્ય સરકાર દ્વારા ત્રણ નવી LNG બસ નાગરિકોની સેવાઓમાં ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. નિગમ દ્વારા ત્રણ ડિઝલ બસને LNG બસમાં કન્વર્ટ કરવામાં આવેલ છે. જેના પરિણામે પ્રદૂષણમાં ઘટાડો થશે અને પર્યાવરણનું જતન થશે.