ગુજરાતના વરસાદની સ્થિતિને પહોંચી વળવા એક્શનમાં સરકાર, 8 જિલ્લામાં મોકલાઈ NDRFની ટીમ

  • vatannivat
  • 11-07-2022 12:10 PM

- અસરગ્રસ્તોના સ્થળાંતર માટે ત્વરિત કાર્યવાહી કરવા આદેશ

- આઠ જિલ્લામાં વધુ પાંચ એનડીઆરએફની ટીમો રવાના

મુખ્ય સચિવ પંકજ કુમાર દ્વારા સર્વગ્રાહી સમીક્ષા

રાજ્યના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. તે અન્વયે રાજ્યનાં મુખ્ય સચિવ પંકજ કુમાર દ્વારા આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્ય સચિવે તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ને ઝીરો કેઝ્યુલિટીના સંપૂર્ણ સંવેદનશીલ અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. તો સાથોસાથ રાહત બચાવ સંદર્ભે નાગરિકોને ત્વરિત કાર્યવાહી કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.

ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન

મુખ્ય સચિવ પંકજ કુમારે ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન વાતચીત કરીને તેઓએ કરેલી તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા કરી હતી. તે દરમ્યાન જિલ્લાકક્ષાના ડિઝાસ્ટર પ્લાન સંદર્ભે વધુને વધુ સજ્જતા કેળવવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. પંકજ કુમારે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને બચાવ તથા રાહત કામગીરીને વધુ સજ્જ બનાવવા સૂચનાઓ આપી હતી. જે જગ્યાએ સંભવિત ભયજનક સ્થિતિ હોય તેવી જગ્યાએ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને વધુને વધુ નાગરિકોનું સ્થળાંતર કરીને તેમને આશ્રયસ્થાનોમાં રાખવા જણાવી અસરગ્રસ્તોને આરોગ્ય, ભોજન સહિતની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.

વહીવટી તંત્રને એક ટીમ તરીકે એલર્ટ મોડમાં રહીને કામગીરી કરવા સૂચના

મુખ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે આગામી ૪૮ કલાકમાં પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે વધુ પાંચ એનડીઆરએફની ટીમોને અહીંથી ડિપ્લોય કરીને રવાના કરી દેવાઈ છે. જે સત્વરે રાહત બચાવ કામગીરીમાં જોડાઈ જશે. તેમણે આગાહી વાળા જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રને એક ટીમ તરીકે એલર્ટ મોડમાં રહીને કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત આશ્રયસ્થાનોમાં રહેતા નાગરિકોને કેશડોલ્સ સહિતની વિવિધ સહાય પણ સત્વરે પૂરી પાડવા સૂચન પણ કર્યું હતું. આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક સચિવ કમલ દયાની, રાહત કમિશનર પી. સ્વરૂપ, આઇજીપી પિયૂષ પટેલ સહિત જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.