કેરીના રસિયાઓ માટે ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાષ્ટ્રીય મેંગો મહોત્સવનો કરાવ્યો પ્રારંભ

  • vatannivat
  • 27-05-2022 09:44 AM

- ગાંધીનગરખાતે તા.૨૭ થી ૨૯ મે દરમિયાન યોજાઈ રહ્યો છે મહોત્સવ

- મુખ્યમંત્રીએ અલગ અલગ રાજ્યોના કેરીના ઉત્પાદકો અને વિક્રેતાઓને શુભેચ્છાઓ પાઠવી


 

મુખ્યમંત્રીએ કેરીનાં વાવેતરથી લઇ વેચાણ સુધીની માહિતી મેળવી

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે તા. ૨૭ થી ૨૯ મે દરમિયાન આયોજિત ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ મહોત્સવમાં ભાગ લઇ રહેલા જુદા જુદા રાજ્યોના કેરીના ઉત્પાદકો અને વિક્રેતાઓને મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આ ઉત્પાદકો અને વિક્રેતાઓના સ્ટોલની મુલાકાત લઈને કેરીની જાત અને વાવેતરથી લઈને ઉત્પાદન અને વેચાણ સુધીની વિગતો જાણી હતી.

 

એગ્રીકલ્ચર ટુરિઝમને વેગ આપવા મેંગો મહોત્સવનું આયોજન

 

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રવાસન ક્ષેત્રે અનેક નવતર પહેલ કરી છે તેમાંની એક એગ્રીકલ્ચર ટુરિઝમ પણ છે. એગ્રીકલ્ચર ટુરિઝમને વેગ આપવા તેમજ સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતી કેરીની જાતનું ખેડૂતો સીધા જ ઉપભોક્તાઓને વેચાણ કરી શકે તેવા આશયથી આ રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું છે. આ મેંગો ફેસ્ટિવલમાં ભારતના વિવિધ પ્રાંતમાં ઉત્પાદિત થતી કેરીઓનું વેચાણ સહ પ્રદર્શન કરવામાં આવ્યું છે. દેશના જુદા જુદા રાજ્યોના કેરી ઉત્પાદકો ત્યાં એક જ સ્થળે મળી ગુણવત્તા સાથે કેરીનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તે માટે એકબીજા સાથે ચર્ચા-વિચારણા કરી એકબીજા સાથે વિચારોની આપ-લે પણ કરશે. તો સાથોસાથ ગુજરાતના કચ્છ અને ગીર પંથક સહિત અનેક પ્રદેશોમાં કેરી ઉત્પાદિત કરતા ખેડૂતો, વાડીના માલિકો તથા કેરીના જથ્થાબંધ વેપારીઓને પોતાના ક્ષેત્રના વિકાસ માટે એક પ્લેટફોર્મ મળશે.

 


૫૦ થી વધુ સ્ટોલમાં જુદી જુદી જાતની કેરીનું પ્રદર્શન

 

આ મેંગો મહોત્સવમાં ઉત્તર પ્રદેશની અંબિકા, અરૂણીકા, અરૂનિમા, પ્રતિભા, પિતાંબરા, લાલીમા, શ્રેષ્ઠ, સુર્યા, હુસનેરા, નાઝુક બાદન, ગુલાબ ખસ, ઓસ્ટીન, દશેરી, ચાઉસા, લંગડા, અમીન ખુર્દ, ગ્લાસ આમ્રપાલી, મલ્લિકા, ક્રિષ્ના ભોગ, રામ ભોગ, રામકેલા, શેહદ કુપ્પી, જરદારૂ, લખનૌવા સફેડા, જોહરી, સફેડા, બેંગ્લોરા, અમીન દુધિયા, બદામી ગોલા, બુધિયા, યુક્તિ, ફઝિલ, કેસર, લંબુરી, નારદ, સુરખા પરા, સુરખા, દશેરી, ચૌસા, લંગરા, આમ્રપાલી, મલ્લિકા, બોમ્બે ગ્રીન, યથાર્થ, મહારાષ્ટ્રની રત્નાગીરી, પશ્ચિમ બંગાશની હિમસાગર, આમ્રપાલી, બિહારની મૈદા, જરદાળુ ક્રિષ્નાભોગ, રાજસ્થાનની દશેરી, મલ્લિકા, લાંગરા, કેસર, કર્ણાટકની કર્ણાટકા આલ્ફાન્ઝોં અથવા બદામી મેંગો, કેરળની તોતા અને સુંદરી, આંધ્રપ્રદેશની બદામ, દિલ્હીની આલ્ફાન્સો, તમિલનાડુના તોતા અને સુંદરી, ગુજરાતની કેસર, હાફુસ કેરી તથા કેરીનું અથાણું, છૂંદો, મેંગો પલ્પ, શેક જામદર સહિતની અન્ય વેરાઈટીનું ૫૦ થી વધુ સ્ટોલમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.

 

દેશભરના કેરી રસિકો ઉપસ્થિત

 

આ મહોત્સવ દરમિયાન વિવિધ મનોરંજક સ્પર્ધાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકો માટે ખાસ એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય શંભૂજી ઠાકોર, ગાંધીનગર મેયર હિતેશ મકવાણા, પ્રવાસન સચિવ હારીત શુક્લ, પ્રવાસન કમિશનર આલોકકુમાર પાંડે, કલેકટર કુલદીપ આર્ય સહિત દેશભરના કેરી રસિકો ઉપસ્થિત રહ્યા હતા.