ગુજરાતમાં પતંગરસિકો માટે હવામાન વિભાગના સારા સમાચાર, જાણો કેવો રહેશે પવન

  • vatannivat
  • 10-01-2023 10:09 AM

- ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે, ત્રણ દિવસ બાદ ઠંડી વધશે

- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ધુમ્મસવાળુ વાતાવરણ રહેશે

હવામાન વિભાગે કરી આગાહી 

દર વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સવારે સારી રહેતી હોય છે અને બપોર પછી ઓછી થઈ જતી હોય છે. જેથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. પરંતુ આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિકોને મજા પડી જશે. હવામાન વિભાગે પતંગ રસિકો માટે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે આ વખતે સારો પવન રહેવાની શક્યતાઓ છે. હાલમાં રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. આગામી ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. તે ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં ધુમ્મસવાળુ વાતાવરણ રહેશે. 

આગામી ૩ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્‌

ગુજરાતમાં ઠંડીમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત બીજા દિવસે જારી રહ્યો છે. ગત રાત્રિએ રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્‌ છે. પરંતુ ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી ઘટતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. ગત રાત્રિએ ૧૨.૫ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર દિવસમાં ૧૦ ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.