નાણાંમંત્રી નિર્મલા સીતારામણે વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું, ખેડૂત, રેલવે અને ગરીબો માટે મોટી જાહેરાતો

  • vatannivat
  • 01-02-2023 09:45 AM

- ખેડૂતોને ક્રેડિટ કાર્ડ દ્વારા 20 લાખ કરોડ સુધીની લોનની જાહેરાત

- બજેટમાં રેલ્વે માટે અત્યાર સુધીની સૌથી વધુ 2.40 લાખ કરોડની ફાળવણી

તમામ ક્ષેત્રો માટે જાહેરાત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું હતું. આ વખતે સરકારે વિવિધ ક્ષેત્રે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં કૃષિ ક્ષેત્રે, ગરીબો માટે, રેલવે માટે સહીત અન્ય ક્ષેત્રોમાં મોટી જાહેરાતો કરી હતી. ત્યારે સરકાર દ્વારા આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને તમામ વર્ગોને આવરીને જાહેરાતો કરી હતી.

શ્રી અન્ન યોજના શરૂ કરવામાં આવી

બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. સરકારે આ વર્ષે ખેડૂતોને 20 લાખ કરોડ સુધીની લોન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત બરછટ અનાજને પ્રોત્સાહન આપવા માટે શ્રી અન્ન યોજના શરૂ કરવામાં આવી છે. આવો જાણીએ આ વખતના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે શું જાહેરાત કરવામાં આવી છે?

કૃષિ ક્ષેત્ર માટે શું જાહેરાતો કરવામાં આવી?

1. કેન્દ્ર સરકારે ખેડૂતોની સુવિધા માટે ધિરાણનો વ્યાપ વધાર્યો છે. આ વર્ષે ખેડૂતોને ક્રેડિટ કાર્ડ દ્વારા 20 લાખ કરોડ સુધીની લોનનું વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે.

2. કિસાન ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ હવે ખેડૂતો માટે તૈયાર કરવામાં આવશે. અહીં ખેડૂતો માટે તેમની જરૂરિયાતોને લગતી તમામ માહિતી ઉપલબ્ધ હશે.

3. કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રે વધુને વધુ સ્ટાર્ટઅપ શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કૃષિ સ્ટાર્ટઅપ્સ માટે ડિજિટલ એક્સિલરેટર ફંડ બનાવવામાં આવશે, જેને કૃષિ નિધિ નામ આપવામાં આવ્યું છે. આ દ્વારા કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓને સરકાર તરફથી મદદ આપવામાં આવશે.

4. આ વખતે સરકારે બરછટ અનાજને પ્રોત્સાહન આપવા માટે એક અલગ યોજના શરૂ કરી છે. તેને શ્રી અન્ના યોજના નામ આપવામાં આવ્યું છે. આના દ્વારા દેશભરમાં બરછટ અનાજના ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહન આપવામાં આવશે.

5. સરકારે બજેટમાં બાગાયતી પેદાશો માટે 2,200 કરોડની રકમ ફાળવી છે. આના દ્વારા બાગાયતને પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

6. કેન્દ્ર સરકારે મત્સ્ય સંપદાની નવી પેટા યોજનામાં 6000 કરોડનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. આ દ્વારા માછીમારોને વીમા કવચ, નાણાકીય સહાય અને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પણ આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ સંસાધનોનો ઉપયોગ કરીને ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અર્થતંત્રને ઝડપથી પ્રોત્સાહન આપવાનો છે.

7. બજેટમાં સરકર દ્વારા રૂ. 2,516 કરોડના રોકાણ સાથે 63,000 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવી રહ્યું છે, આના માટે એક રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે, તેની સાથે મોટા પાયે વિકેન્દ્રિત સંગ્રહ ક્ષમતા ઉભી કરવામાં આવશે, આનાથી ખેડૂતોને તેમની ઉપજનો સંગ્રહ કરવામાં અને તેમની પેદાશોની સારી કિંમત મેળવવામાં મદદ મળશે. સરકાર આગામી 5 વર્ષમાં વંચિત ગામડાઓમાં મોટી સંખ્યામાં સહકારી, પ્રાથમિક મત્સ્યોદ્યોગ મંડળીઓ અને ડેરી સહકારી સંસ્થાઓની સ્થાપના કરશે.

8. સરકાર આગામી 3 વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે મદદ કરશે. દેશમાં 10,000 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરો સ્થાપવામાં આવશે.

મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગના નાગરિકો માટે બજેટમાં મોટી જાહેરાત કરી છે. હવે સરકાર 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં વસૂલે. અત્યાર સુધી 5 લાખ રૂપિયાથી વધુની આવક પર ટેક્સ ભરવો પડતો હતો. સરકારે ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કર્યો છે.

બજેટમાં ગરીબો માટે શું કરી જાહેરાત :

1. આવાસ યોજનાનું બજેટ 66 ટકા વધાર્યું : બજેટમાં કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ગરીબો માટેની આવાસ યોજનાને લઈને હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સરકારે આવાસ યોજનાના બજેટમાં 66 ટકાનો વધારો કર્યો છે. ગત વખતે આવાસ યોજના માટે 48 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તેના દ્વારા દેશભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કુલ 80 લાખ મકાનો બનાવવામાં આવ્યા હતા. PIBની સૂચના અનુસાર, 3 જાન્યુઆરી, 2022 સુધી કુલ 1.14 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી 53.42 લાખ ઘરો બાંધવામાં આવ્યા છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 16 લાખ મકાનો બનાવવામાં આવી રહ્યા છે.

2. આવતા વર્ષ સુધી ગરીબ પરિવારોને મફત રાશન: કેન્દ્ર સરકારે આગામી વર્ષ એટલે કે 2024 સુધી તમામ અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ બે લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.

3. સરકાર જેલમાં બંધ ગરીબોની મુક્તિ સુનિશ્ચિત કરશેઃ કેન્દ્ર સરકારે પહેલીવાર પોતાના બજેટમાં જેલમાં બંધ ગરીબોના મુદ્દાનો સમાવેશ કર્યો છે. આ મુજબ જે કેદીઓ આર્થિક સંકડામણના કારણે જેલમાંથી જામીન મેળવી શકતા નથી તેમનો ખર્ચ સરકાર ઉઠાવશે. લગભગ બે લાખ કેદીઓ છે, જેમની સજા પૂરી થઈ ગઈ છે, પરંતુ મુક્તિ માટે નક્કી કરેલી રકમ ન મળવાને કારણે તેઓ જેલમાં જ છે. હવે આવા ગરીબ કેદીઓની મદદ માટે પણ સરકારે જાહેરાત કરી છે.

બજેટમાં રેલવે માટે અત્યાર સુધીની સૌથી ફાળવણી :

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે રેલ્વેમાં 2.40 લાખ કરોડની મૂડીની જોગવાઈ કરવામાં આવી છે. આ અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે. આ 2013-14માં આપવામાં આવેલી ફાળવણી કરતાં નવ ગણું વધુ છે. નાણાકીય વર્ષ 2022-23ના બજેટની સરખામણી કરીએ તો આ વખતે રેલવેના મૂડી ખર્ચમાં 65.6 ટકાથી વધુનો વધારો થયો છે. નાણામંત્રીએ કહ્યું કે વર્ષ 2013ની સરખામણીએ રેલવે બજેટમાં નવ ગણો વધારો થયો છે. રેલવે આ બજેટમાંથી નવા રેલવે ટ્રેક, વેગન, ટ્રેન, રેલવેનું વીજળીકરણ, સિગ્નલ વગેરેના કામ પર ખર્ચ કરશે.

બજેટમાં અનાજ અને બંદરોને જોડવા પર ધ્યાન

રેલ્વે મંત્રાલય 2023 સુધીમાં તમામ રેલ્વે લાઈનોના વીજળીકરણના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. આ સાથે બે હજાર કિલોમીટરની નવી રેલ્વે લાઈન નાખવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવે મંત્રાલયે બજેટમાં 2.5 લાખ કરોડ રૂપિયાની ફાળવણીની માંગ કરી હતી. બજેટમાં અનાજ અને બંદરોને જોડવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

શું મોંઘુ થશે

- સિગારેટ પર આકસ્મિક ડ્યુટી 16 ટકા વધારી દેવામાં આવી છે.

- બ્લેન્ડેડ CNG પર GST હટાવાશે

- કમ્પાઉન્ડ રબર પર બેઝિક ઈમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવી છે. મોંઘી થશે.

- સોનાની લગડીથી બનેલી જ્વેલરી પર કસ્ટમ ડ્યુટીમાં વધારો

-રસોડામાં વપરાતી ઈલેક્ટ્રોનિક ચીમની પરની કસ્ટમ ડ્યુટી 7.5% થી વધારીને 15% કરવામાં આવી છે.

શું સસ્તું થશે

- લેબમાં બનાવવામાં આવેલા હીરાને પ્રોત્સાહન આપવા માટે કસ્ટમ ડ્યુટી મુક્તિ.

- મોબાઈલ પાર્ટસ અને કેમેરા લેન્સ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાંથી મુક્તિની જોગવાઈ, ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આયાત કસ્ટમ ડ્યુટી મુક્તિ, કપડાં, ઇલેક્ટ્રિક વાહનો, સાયકલ સહિતની કિંમતો ઘટશે.