ભારત-ચીન સૈનિકોની અથડામણ બાદ વિદેશમંત્રીનું નિવેદન, LAC પર ચીની સૈનિકોની સંખ્યામાં વધારો

  • vatannivat
  • 19-12-2022 07:20 AM

- ભારતીય સેનાએ પણ મોટા પાયે સૈનિકો તૈનાત કર્યા : એસ જયશંકર

- રાહુલ ગાંધીનો દાવો વિશ્વાસપાત્ર નથી : કેન્દ્રીય વિદેશમંત્રી 

જયશંકરે આરોપોના જવાબ આપ્યા

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકો અને ભારતીય સેના વચ્ચેની અથડામણ બાદથી ભારતનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ મુદ્દે સતત સરકાર પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકરે આરોપોનો જવાબ આપતા મૌન તોડ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ચીનના આક્રમણનો જવાબ આપવા માટે ભારતીય સેના દ્વારા LAC પર અત્યાર સુધીની સૌથી મોટી તૈનાતી કરવામાં આવી છે.

ભારતીય સેનાએ પણ મોટા પાયે સૈનિકો તૈનાત કર્યા

એક મીડિયા કોન્ક્લેવને સંબોધતા કેન્દ્રીય વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું કે, 2020થી LAC પર ચીની સૈનિકોની સંખ્યામાં વધારો થયો છે. એટલા માટે ભારતીય સેનાએ પણ મોટા પાયે સૈનિકો તૈનાત કર્યા છે. તેમણે કહ્યું, આપણી સેના ચીન દ્વારા એકતરફી પરિવર્તનના કોઈપણ પ્રયાસનો સામનો કરવા માટે તૈનાત છે. તે ભારતીય સેનાની પણ ફરજ છે.

ભારત સરકાર ચીન મુદ્દે ગંભીર છે

વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ભારત સરકાર ચીન મુદ્દે ગંભીર છે અને રાહુલ ગાંધીનો દાવો વિશ્વાસપાત્ર નથી. નોંધનીય છે કે તાજેતરમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત-ચીન સરહદ પર વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. તાજેતરમાં જે બન્યું તે માત્ર અથડામણ નથી, પરંતુ ચીન સંપૂર્ણ પાયે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર પર આ ધમકીની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકાર આપણાથી તથ્યો છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આ લાંબો સમય ચાલશે નહીં.