એન્જિનિયરિંગ કરવા ઇચ્છુક વિધાર્થીઓ આનંદો, ગુજરાતી ભાષામાં થશે એન્જિનિયરિંગનો અભ્યાસ

  • vatannivat
  • 20-07-2022 09:52 AM

- ગુજરાતમાં પ્રથમ વખત માતૃભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવાશે

- પ્રત્યેક શાખામાં ૩૦ એમ કુલ ૧૨૦ બેઠકોની GTU ને માન્યતા મળી

મહેસાણાની કોલેજમાં એન્જિનિયરિંગ શાખાઓમાં અભ્યાસ શરૂ થશે

ગુજરાતમાં હવે માતૃભાષાના પ્રચાર પ્રસાર પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પ્રથમ વખત માતૃભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવાશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવાશે. GTU સંચાલિત મહેસાણાખાતેની જીપેરી કોલેજમાં ૪ એન્જિનિયરિંગ શાખાઓમાં અભ્યાસ શરૂ થશે.

શું કહ્યું GTU નાં કુલપતિએ

GTU નાં કુલપતિ નવીન શેઠે જણાવ્યું કે, અત્યાર સુધી એન્જિનિયરિંગનાં અભ્યાસક્રમો અંગ્રેજીમાં ચાલતા હોવાથી અનેક વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનાં અભ્યાસક્રમથી દૂર રહેવાનો ર્નિણય લેતા હતા. પરંતુ હવે એન્જિનિયરિંગની ૪ શાખામાં ગુજરાતી ભાષામાં અભ્યાસ શરૂ થતાં ટ્રાઈબલ અને ગ્રામ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ એન્જિનિયરિંગનાં અભ્યાસક્રમ તરફ આકર્ષાશે. ગુજરાતીમાં એન્જિનિયરિંગ કરનાર વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીના વર્ગો વિનામૂલ્યે ચલાવવામાં પણ આવશે. ગુજરાતી અભ્યાસક્રમોની કુલ બેઠકોના ૨૦ ટકા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ પણ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યુ કે, સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગની શાખામાં વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં અભ્યાસ કરી શકશે. ગુજરાતી ભાષામાં અભ્યાસ ચલાવવા માટે પ્રત્યેક શાખામાં ૩૦ એમ કુલ ૧૨૦ બેઠકોની GTU ને માન્યતા મળી છે.

જીપેરી કોલેજ સિવાય રાજ્યની એકપણ યુનિવર્સિટી અથવા કોલેજે પરવાનગી માંગી નથી

નોંધનીય છે કે નવી શિક્ષણનીતિ અંતર્ગત માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તે અન્વયે ગત વર્ષે દેશના ૧૦ રાજ્યોની ૧૯ સંસ્થાઓ દ્વારા ૬ પ્રાદેશિક માતૃભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવવામાં આવે છે. ગતવર્ષે ગુજરાતમાંથી એકપણ યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા માતૃભાષામાં એન્જિનિયરિંગનાં અભ્યાસ માટે પરવાનગી માંગવામાં આવી ન હતી. ચાલુ વર્ષે GTU સંચાલિત મહેસાણાની એકમાત્ર જિપેરી કોલેજ દ્વારા જ ગુજરાતી ભાષામાં ૪ શાખાઓમાં અભ્યાસ શરૂ કરવા પરવાનગી માંગવામાં આવી હતી. જીપેરી કોલેજ સિવાય આ વર્ષે પણ રાજ્યની એકપણ યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા એન્જિનિયરિંગનાં અભ્યાસક્રમો ગુજરાતીમાં ચાલુ કરવાની પરવાનગી માંગવામાં આવી નથી.