કર્ણાટકમાં રોડ શો દરમ્યાન વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક

  • vatannivat
  • 12-01-2023 12:48 PM

- વડાપ્રધાનના રોડ શો દરમિયાન યુવક વાહન પાસે પહોંચ્યો

- કર્ણાટકનાં હુબલીમાં હતો વડાપ્રધાન મોદીનો રોડ શો 

પોલીસ કમિશનરનો સુરક્ષા ભંગનો ઇનકાર

કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. જ્યાં રોડ શો દરમ્યાન પ્રધાનમંત્રીની સુરક્ષામાં મોટી ચૂક થઇ હતી. PM મોદી હુબલીમાં રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક વડાપ્રધાન મોદીની સિક્યોરિટી કોર્ડન તોડીને પ્રધાનમંત્રીની ગાડી પાસે પહોંચી ગયો હતો. આ મુદ્દા પર હુબલીના પોલીસ કમિશનરે કોઈપણ સુરક્ષા ભંગનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ક્ષતિ રહી નથી.

અચાનક વડાપ્રધાનનાં વાહન પાસે પહોંચ્યો યુવક

જાણવા મળતી માહિતી મુજબ હુબલીમાં રોડ શો દરમિયાન એક વ્યક્તિ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વાહન પાસે પહોંચી ગયો હતો. તે વ્યક્તિ પીએમ મોદીને હાર પહેરાવવા માંગતો હતો. પરંતુ, વ્યક્તિને પીએમ તરફ આવતો જોઈને સુરક્ષાકર્મીઓ તરત જ એક્શનમાં આવી ગયા હતા અને તેને અધવચ્ચે જ અટકાવ્યો હતો. તેને તરત જ પીએમના કાફલામાંથી દૂર લઈ જવામાં આવ્યો હતો.