ગુજરાતમાં ડિજિટલ ક્રાંતીથી હરિયાળી ક્રાંતી, સરકારના એક નિર્ણયથી ખેડૂતોને ઘર આંગણે મળી આ સેવાઓ

  • vatannivat
  • 02-07-2022 11:41 AM

- I- ખેડૂત પોર્ટલ દ્વારા કુલ ૬૧.૮૨ લાખ ખેડૂતોને ૫૧૦૭.૯૪ કરોડની સબસિડી અપાઈ

- ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે વર્ષ ૨૦૧૯થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કાર્યરત

“I- ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિ઼જિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકાર દ્વારા અનેક પહેલ હાથ ધરીને લોકોની સરળતા માટે મોટાભાગની તમામ સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી દેવામાં આવી છે. રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિષયક માહિતી, વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ કૃષિ પેદાશોના બજારભાવની માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક વિશેષ “I- ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ડિજિટલ ક્રાંતીથી હરિયાળી ક્રાંતીની મુહિમ સાથે રાજ્યમાં ખેડૂતો માટેની તમામ સેવાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે જેનો લાભ રાજ્યના લાખો ખેડૂતો ઘરે બેઠા મેળવી રહ્યા છે. ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્સ્ય પાલન, જમીન અને જળ સંરક્ષણ સહિતની તમામ યોજનાઓની માહિતી અને સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થવાથી ખેડુતોને તેનો ખુબ જ લાભ થઈ રહ્યો છે.

દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ ગુજરાતમાં શરૂ થયા

I- ખેડૂત પોર્ટલમાં વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધી કુલ ૧૬૨.૧૫ લાખ અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને જેના પર કાર્યવાહી કરી ૬૧.૮૨ લાખ ખેડુતોને રૂ. ૫૧૦૭.૯૪ કરોડ સબસીડીની સહાય વિતરણની કામગીરી પણ કરવામાં આવેલ છે. રાજ્ય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમાં ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા I- ખેડૂત પોર્ટલ કાર્યરત છે.

ચાર માસના અંતરે ત્રણ સમાન હપ્તામાં ચૂકવાય છે સહાય

ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે વર્ષ ૨૦૧૯થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કાર્યરત છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળે છે, જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવાય છે. તે પૈકી ૬૨.૩૭ લાખ ખેડૂત પરિવારોને પ્રથમ હપ્તો, ૬૨.૨૩ લાખ ખેડૂત પરિવારોને બીજો હપ્તો, ૬૧.૫૯ લાખ ખેડૂત પરિવારોને ત્રીજો હપ્તો, ૫૮.૬૧ લાખ ખેડૂત પરિવારોને ચોથો હપ્તો, ૫૭.૩૩ લાખ ખેડૂત પરિવારોને પાંચમો હપ્તો, ૫૫.૧૭ લાખ ખેડૂત પરિવારોને છઠ્ઠો હપ્તો, ૫૨.૫૩ લાખ ખેડૂત પરિવારોને સાતમો હપ્તો, ૪૯.૧૯ લાખ ખેડૂત પરિવારોને આઠમો હપ્તો, ૪૫.૨૧  લાખ ખેડૂત પરિવારોને નવમો હપ્તો ૪૨.૮૩ લાખ ખેડૂત પરિવારોને દશમો હપ્તો અને ૨૮.૩૬ લાખ ખેડૂત પરિવારોને અગિયારમો હપ્તો ચુકવવામાં આવેલ છે. આ તમામ હપ્તાની રકમ મળી રાજ્યના લાભાર્થી ખેડુત કુટુંબોને કુલ રૂ. ૧૧,૫૧૦.૦૬ કરોડ તેમના બેન્ક એકાઉન્ટમાં ચુકવણી થઈ છે.