પરીક્ષામાં કોપીને લઈને દિલ્હી હાઇકોર્ટે ચિંતા દર્શાવી, જાણો શું કહ્યું

  • vatannivat
  • 28-12-2022 05:15 AM

- પરીક્ષામાં નકલ કરવી તે સમાજને મહામારીની જેમ નષ્ટ કરી શકે છે : દિલ્હી હાઇકોર્ટ 

- કોઈપણ દેશની પ્રગતિ માટે શિક્ષણ પ્રણાલીની અખંડિતતા અચૂક હોવી જોઈએ

પરીક્ષામાં નકલ કરવી એ પ્લેગની મહામારી જેટલી જ ખતરનાક

દિલ્હી હાઈકોર્ટે પરીક્ષામાં કોપી કરતા વિધાર્થીઓને લઈને ચિંતા દર્શાવી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, પરીક્ષામાં નકલ કરવી એ પ્લેગની મહામારી જેટલી જ ખતરનાક છે. આ સમાજને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે. જેઓ નકલ કરે છે અથવા તેમાં સામેલ થાય છે તેમની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, કોઈપણ દેશની પ્રગતિ માટે શિક્ષણ પ્રણાલીની અખંડિતતા અચૂક હોવી જોઈએ. જે વિદ્યાર્થીઓ અન્યાયી માધ્યમોનો આશરો લે છે, છેતરપિંડી કરે છે અને સખત મહેનત કરતા લોકોથી આગળ નીકળી જાય છે તેઓ રાષ્ટ્રનું નિર્માણ કરી શકતા નથી. તેમના પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવવી જોઈએ નહીં. આ કિસ્સામાં કેટલાક વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રો મેળવે છે અને પ્રશ્નો અને જવાબો એકબીજાની વચ્ચે વહેંચે છે, જેનાથી પરીક્ષાની તૈયારી માટે દિવસ-રાત મહેનત કરતા વિધાર્થીઓની સરખામણીમાં તેમને અન્યાયી ફાયદો થાય છે.

કોર્ટે અરજદારની અપીલ ફગાવી 

ખંડપીઠ સિંગલ જજના આદેશ સામે અપીલ કરનાર એન્જિનિયરિંગના વિદ્યાર્થી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં પરીક્ષા રદ કરવાના સિંગલ જજના નિર્ણયમાં હસ્તક્ષેપની માંગ કરવામાં આવી હતી. અરજદાર બીજા સેમેસ્ટરની પરીક્ષામાં અન્યાયી માધ્યમોનો ઉપયોગ કરીને પકડાયો હતો. અપીલકર્તાની અરજી ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે, સિંગલ જજના નિર્ણયમાં કોઈ ભૂલ નથી.