ક્રિકેટર રિષભ પંત રોડ અકસ્માતનો શિકાર બન્યો, કારનો કાચ તોડીને પંતને બહાર કઢાયો...

  • vatannivat
  • 30-12-2022 07:07 AM

- રિષભ પંત દિલ્હીથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યાં તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. 

- કારનો કાચ તોડી પંતને બહાર કઢાયો,પંતને માથા અને પગમાં ઈજાઓ છે

કારનો કાચ તોડીને બહાર કાઢી પંતને હોસ્પિટલ લઈ જવાયો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ઋષભ પંત રોડ અકસ્માતનો શિકાર બન્યો. તેમની કાર રૂડકીમાં ડિવાઈડર સાથે અથડાઈ, અકસ્માતમાં પંતને માથા અને પગમાં ઈજા થઈ છે. અકસ્માત બાદ તરત જ કારમાં આગ લાગી હતી, અને કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ. કારનો કાચ તોડીને પંતને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પંત દિલ્હીથી ઉત્તરાખંડમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની કારને રૂરકીની નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે અકસ્માત નડ્યો હતો.


પંતની હાલત સ્થિર છે

પંતની કાર ખૂબ જ સ્પીડમાં હતી અને ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર રેલિંગ તોડીને રોડની બીજી તરફ પહોંચી ગઈ હતી, ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી.આ ઘટના સવારે 5:30 બની તેવું જણાવવામાં આવ્યુ. અકસ્માત બાદ, રાહદારીઓની સૂચના પર ગંભીર રીતે ઘાયલ ઋષભ પંતને દિલ્હી રોડ પરની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરાયો. શરૂઆતમાં પંતની હાલત નાજુક હતી, પરંતુ ધીરે ધીરે તેમની સ્થિતિમાં સુધારો થતો ગયો.પંતને માથા અને પગમાં ઈજા થઈ છે, તેને પીઠમાં પણ ઘણી ઈજા થઈ છે.પછી તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરશે. 


કેવી રીતે થયો અકસ્માત ?

મળતી માહિતી મૂજબ પંતની કાર ખુબજ ઝડપથી ડિવાઈડરની બાજુ લોખંડની રેલિંગ સાથે અથડાઈ અને રેલિંગ તોડીને રોડની બીજી તરફ પહોંચી ગઈ. ઝડપ વધુ હોવાથી કાર 200 મીટર સુધી સરક્યા બાદ અટકી. આ પછી કારમાં આગ લાગી હતી. એવું કહેવાયુ છે કે, સ્થળ પર પહોંચેલા રાહદારીઓએ કોઈક રીતે કાચ તોડીને રિષભ પંતને બહાર કાઢ્યો હતો. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તેને નરસન થી રૂરકી તરફ 8 KM દૂર સક્ષમ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પંત લઈ જવામાં આવ્યા.


પંતને વનડે અને ટી20માં ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાંથી બહાર કરાયો

હાલમાં જ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં રિષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. જેમાં બીજી ટેસ્ટમાં તે સદી ચૂકી ગયો હતો, પરંતુ તેની શાનદાર બેટિંગના આધારે તેણે ભારતને મેચમાં આગળ કરી દીઘી હતી. તેથી જ ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં મહત્વના બેટ્સમેનોની નિષ્ફળતા છતાંય મેચ જીતી લીધી હતી. જોકે, હાલમાં જ તેને વનડે અને ટી20માં ખરાબ પ્રદર્શનને કારણે રિષભ પંતને ટીમમાંથી બહાર કરાયો છે.