કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી

  • vatannivat
  • 11-01-2023 07:49 AM

- 'પીપલ્સ વોઈસ યાત્રા' વડે ગઢ મજબૂત કરવાનો કોંગ્રેસનો પ્રયાસ

- કોંગ્રેસ દ્વારા 'પીપલ્સ વોઈસ યાત્રા'ની શરૂઆત

કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રીએ યાત્રાની શરૂઆત કરાવી

આ વર્ષમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતવા માટે કમર કસી લીધી છે. કોંગ્રેસ પાર્ટીએ 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે બેલાગવીથી પાર્ટીની "પીપલ્સ વોઇસ યાત્રા" ની શરૂઆત કરી હતી. 

આ છે કોંગ્રેસની પીપલ્સ વોઈસ યાત્રાનો હેતુ

કોંગ્રેસ દ્વારા આ યાત્રાનો હેતુ લોકોને પાર્ટી સાથે જોડવાનો અને આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને જીતાડવાની અપીલ કરવાનો છે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ પણ સોમવારે જાહેરાત કરી હતી કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં કોલાર બેઠક પરથી ચૂંટણી લડશે.

કોંગ્રેસે બસયાત્રાની કરી શરૂઆત


કોંગ્રેસે કર્ણાટકમાં બસ યાત્રા પણ શરૂ કરી છે. કોંગ્રેસે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય રાજ્યમાં ભાજપને સત્તા પરથી હટાવવાનો છે. કોંગ્રેસ આ અભિયાનની શરૂઆત બેલાગવીથી કરી છે. કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમારે મંગળવારે યાત્રાના લોગોનું અનાવરણ કરતી વખતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારથી ભાજપ સત્તામાં આવ્યો છે ત્યારથી રાજ્યમાં લૂંટફાટ થઈ રહી છે. કર્ણાટકનો વિકાસ થંભી ગયો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપે માત્ર સાંપ્રદાયિક રાજનીતિ અને રાજ્યને લકવાગ્રસ્ત કરતી નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

બસ યાત્રા માટે બે ગ્રુપ બનાવવામાં આવ્યા

વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની બસયાત્રા માટે બે જૂથો બનાવવામાં આવ્યા છે. એક જૂથનું નેતૃત્વ પોતે કરશે, જ્યારે બીજા જૂથનું નેતૃત્વ ડીકે શિવકુમાર કરશે. તેમણે વધુમાં કહ્યું કે આ યાત્રા વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના તમામ 224 મતવિસ્તારોમાંથી પસાર થશે.