'ભારત જોડો યાત્રા'ના સમાપનમાં હાજરી આપવા 21 રાજકીય પક્ષોને કોંગ્રેસે મોકલ્યા આમંત્રણ

  • vatannivat
  • 12-01-2023 06:52 AM

- 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા હાલમાં પંજાબ પહોંચી છે 

- આ યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં પૂરી થશે

તમારી હાજરી યાત્રાના સત્ય, કરુણા અને અહિંસાના સંદેશને મજબૂત બનાવશે : ખડગેનો રાજકીય પક્ષોને પત્ર

કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થશે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 21 રાજકીય પક્ષોને શ્રીનગરમાં 'ભારત જોડો' યાત્રાનાં સમાપન સમારોહમાં આમંત્રણ આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ આ પક્ષોના વડાઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે તેમની હાજરી યાત્રાના સત્ય, કરુણા અને અહિંસાના સંદેશને મજબૂત બનાવશે. ખડગેએ વધુમાં કહ્યું કે હું તમને 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં 'ભારત જોડો યાત્રા'ના સમાપન સમારોહમાં હાજરી આપવા માટે વ્યક્તિગત રીતે આમંત્રણ આપું છું. આ પ્રસંગ મહાત્મા ગાંધીની સ્મૃતિને સમર્પિત છે, જેમણે આ દિવસે નફરત અને હિંસાની વિચારધારા સામે તેમના અથાક સંઘર્ષમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પંજાબ બાદ આ યાત્રા હિમાચલ પ્રદેશ અને પછી જમ્મુ-કાશ્મીર જશે

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વધુમાં જણાવ્યું કે, જ્યારે આપણો દેશ સંકટનો સામનો કરી રહ્યો છે, લોકોના મુદ્દાઓથી ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ યાત્રા એક શક્તિશાળી અવાજ તરીકે ઉભરી આવી છે. હું આશા રાખું છું કે તમે હાજર રહી આ સંદેશને વધુ મજબૂત બનાવશો. 'ભારત જોડો યાત્રા' 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને હવે પંજાબ પહોંચી છે. પંજાબ બાદ આ યાત્રા હિમાચલ પ્રદેશ અને પછી જમ્મુ-કાશ્મીર જશે. આ યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં પૂરી થશે.