રામમંદિર નિર્માણની તારીખ જાહેર કરવા અંગે કોંગ્રેસ અધ્યક્ષનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 09-01-2023 07:39 AM

- રામમંદિર નિર્માણની તારીખ સાધુ સંતોએ જાહેર કરવી જોઈએ, અમિત શાહે નહીં : ખડગે

- રામમમંદિર નિર્માણ આગામી વર્ષે ૧લી જાન્યુઆરીએ પૂર્ણ થવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી

શું અમિત શાહ રામમંદિરના પૂજારી છે ?: કોંગ્રેસ અધ્યક્ષ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યામાં રામમમંદિર નિર્માણ આગામી વર્ષે ૧લી જાન્યુઆરીએ પૂર્ણ થવાની જાહેરાત કરી છે. આ બાબતને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. ખડગેએ કહ્યું હતું કે રામમંદિર નિર્માણ પૂર્ણ થવાની તારીખની જાહેરાત અમિત શાહે નહિ સાધુ-સંતોએ કરવી જોઈએ. આ સાથે ખડગેએ પ્રશ્ન કર્યો કે શું અમિત શાહ રામમંદિરના પૂજારી છે, જે આવી જાહેરાત કરી રહ્યા છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ગૃહમંત્રી તરીકે અમિત શાહનું જે કર્તવ્ય છે, તેના પર તેમણે ધ્યાન આપવું જોઈએ. 

રાહુલ ગાંધીનું ધૈર્ય અને સાહસ જોઈને સૌ અચંબામાં

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હેઠળ આયોજિત એક જાહેરસભાને સંબોધિત કરતા મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા લાલચ આપી અને તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને ચૂંટાયેલી સરકારો અસ્થિર કરવામાં આવી રહી છે. ખડગેએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાહુલ ગાંધીનું ધૈર્ય અને સાહસ જોઈને સૌ અચંબામાં પડ્યા છે. અમે તો રાહુલ ગાંધીને દિલ્હીમાં દેખતા હતા, આ અલગ રાહુલ છે. રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી પદયાત્રા શરૂ કરી અને દરેક મોસમનો સામનો કરીને ચાલતા રહ્યા. હું આ માટે તેમને અભિનંદન પાઠવું છે. 

મોદી અને શાહ ઉપર ખડગેનો મોટો આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યુ હતું કે, રાહુલ ગાંધીની લડાઈ મોંઘવારીની વિરુદ્ધ, બેરોજગારીની વિરુદ્ધ છે. એ યુવાનો માટે રસ્તા પર આવીને લડી રહ્યા છે. આ સાથે ખડગેએ આરોપ લગાવ્યો કે મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે, અમિત શાહ ગૃહમંત્રી બન્યા છે, ત્યારથી ફક્ત ચૂંટણીના ચક્કરમાં પડ્યા રહે છે, એ બીજા રાજકીય પક્ષોમાં તોડફોડ કરે છે. ઈડી અને અન્ય એજન્સીઓનો દુરુપયોગ કરે છે.