ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનો ભાજપ પર ગંભીર આરોપ, જાણો શું કહ્યું

  • vatannivat
  • 05-12-2022 07:50 AM

- 'ભાજપના ઉમેદવારે મારા પર હુમલો કર્યો, જંગલમાં ભાગીને મારો જીવ બચાવ્યો': કોંગ્રેસ ઉમેદવાર કાંતિ ખરાડી 

- રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ધારાસભ્ય ખરાડીના ગુમ થવાનો દાવો કર્યો હતો

ભાજપ ઉમેદવાર પર ગંભીર આરોપ

ગુજરાતમાં આજે બીજા અને અંતિમ તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલાં બનાસકાંઠાની દાંતા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય કાંતિ ખરાડીએ ભાજપના નેતાઓ પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. આરક્ષિત દાંતા બેઠકના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે ભાજપના ઉમેદવાર લધુ પારઘીએ તેમના પર હુમલો કર્યો હતો. ખરાડીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે 'હું મારા મતદારો પાસે જઈ રહ્યો હતો ત્યારે ભાજપના ઉમેદવાર લધુ પારઘી અને લાલકૃષ્ણ બરાડ અને તેમના ભાઈ વદનજી અને અન્ય લોકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો તલવારો અને અન્ય હથિયારોથી સજ્જ હતા.

કોંગ્રેસના ઉમેદવારે શું કહ્યું

દાંતા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ખરાડીએ કહ્યું હતું કે 'અમે અમારા સમર્થકો સાથે વાહનમાં બામોદરા ચારમાર્ગે જઈ રહ્યા હતા, તે દરમ્યાન ભાજપના ઉમેદવારે અમારો રસ્તો રોકી દીધો હતો. તે પછી અમે પાછા ફરવાનું નક્કી કર્યું, આ દરમિયાન વધુ લોકો આવ્યા અને અમારા ઉપર હુમલો કર્યો. આજે મતદાન હોવાથી હું મારા મતવિસ્તારમાં જઈ રહ્યો હતો. મેં જોયું કે ત્યાંનું વાતાવરણ ગરમ છે તેથી મેં ત્યાંથી પાછા ફરવાનું નક્કી કર્યું હતું. અમે પાછા ફરી રહ્યા હતા ત્યારે પણ કેટલીક કાર અમારી પાછળ આવી. ભાજપના ઉમેદવાર પારઘી અને અન્ય બે શસ્ત્રો અને તલવારો સાથે આવ્યા હતા. અમે વિચાર્યું કે અમારે બચવું જોઈએ, તેથી અમે 10-15 કિમી સુધી દોડ્યા અને બે કલાક જંગલમાં રહ્યા હતા.

રાહુલ ગાંધી અને મેવાણીએ પણ ટ્વીટ કર્યું

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ખરાડી પર કથિત હુમલાની નિંદા કરી છે. કોંગ્રેસના આદિવાસી નેતા અને દાંતા વિધાનસભાના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી પર ભાજપના ગુંડાઓએ ઘાતકી હુમલો કર્યો હતો અને ખરાડી ગાયબ છે, એવો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ ખરાડી દ્વારા લખાયેલ પત્ર ચૂંટણી પંચને શેર કર્યો છે. જેમાં ખરાડીએ તેમના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.