રામ મંદિરના મુખ્ય પૂજારી અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવે રાહુલ ગાંધીના કર્યા વખાણ, જાણો શું કહ્યું

  • vatannivat
  • 04-01-2023 06:54 AM

- એક યુવાન કડકડતી ઠંડીમાં દેશમાં ચાલી રહ્યો છે, તે પ્રશંસનીય છે : રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ

- સંઘ કે દેશના વડાપ્રધાને તેમની યાત્રાની ટીકા કરી નથી : ચંપત રાય

શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારીએ પણ પત્ર લખીને યાત્રાની પ્રશંસા કરી હતી

રાહુલ ગાંધીની આગેવાનીમાં નીકળેલી ભારત જોડો યાત્રા હવે ધીમે ધીમે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. ત્યારે યાત્રા ઉત્તરપ્રદેશમાં પ્રવેશી છે. તેવામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓએ પણ દેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કાઢવામાં આવેલી ભારત જોડો યાત્રાની પ્રશંસા કરી હતી. શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રાહુલ ગાંધીને પત્ર લખીને તેમની યાત્રાની પ્રશંસા કરી હતી. તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે એક યુવાન (રાહુલ ગાંધી) આ ઠંડીમાં દેશમાં ચાલી રહ્યો છે, તે પ્રશંસનીય છે. જો 50 વર્ષનો યુવક દેશને સમજીને 3,000 કિમી ચાલી રહ્યો હોય તો તેની પ્રશંસા કરીશું.

ચંપત રાયે શું કહ્યું

ચંપત રાયે વધુમાં કહ્યું હતું કે હું કહું છું કે તમે બધાએ પણ ભારતનો પ્રવાસ કરીને ભારતનો અભ્યાસ કરવો જોઈએ. સંઘ કે દેશના વડાપ્રધાને તેમની યાત્રાની ટીકા કરી નથી. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ પણ યાત્રાનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ ભારત માતાના નામે જે કંઈ પણ કરશે અમે તેમની પ્રશંસા કરીશું. ભારત તેમની યાત્રામાં જોડાય છે કે નહીં તે ખબર નથી, પરંતુ રાષ્ટ્રએ જોડાવું જોઈએ.