ત્રિપુરામાં ભાજપની જીત અંગે મુખ્યમંત્રીએ કર્યો મોટો દાવો

  • vatannivat
  • 13-02-2023 11:57 AM

- CM સાહાએ 36થી વધુ સીટો જીતવાનો કર્યો દાવો

- PM મોદીએ આખી રાજનીતિ બદલી નાખી : મુખ્યમંત્રી 

માણિક સાહાનો દાવો

ત્રિપુરામાં 60 વિધાનસભા સીટો પર થનારી ચૂંટણીને લઈને મુખ્યમંત્રી માણિક સાહાએ મોટો દાવો કર્યો છે. સાહાએ કહ્યું હતું કે ભાજપ અને તેના સાથી પક્ષો ચૂંટણીમાં 36થી વધુ બેઠકો જીતશે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીત દરમિયાન સાહાએ કહ્યું કે, ભાજપ 2018ની સરખામણીમાં વિધાનસભા ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહી છે. "ભાજપ આ ચૂંટણીમાં લગભગ 36 બેઠકો જીતશે, જ્યારે અમારા સહયોગી આઠ બેઠકો જીતશે." આ રીતે અમે 36થી વધુ સીટો જીતવા જઈ રહ્યા છીએ.

વડાપ્રધાન મોદીએ આખી રાજનીતિ બદલી નાખી

માણિક સાહાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પરંપરાગત રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખી રાજનીતિ બદલી નાખી છે. આ લોકો ક્યા લોકોની સાથે રહેવાથી કેટલા વોટ મળશે એમાં વ્યસ્ત છે, પરંતુ ભાજપ દરેક માટે કામ કરે છે. તેમણે ગ્રેટર ટિપ્પરાલેન્ડ વિશે કહ્યું કે, મેં વારંવાર કહ્યું કે ગ્રેટર ટિપ્પરાલેન્ડની સીમા ક્યાં છે? ક્યારેક તેઓ કહે છે કે તે બાંગ્લાદેશમાં છે, ક્યારેક તેઓ કહે છે કે આસામ, મિઝોરમમાં થોડો ભાગ છે. તેના વિશે વાત કરવી હોય તો તે ભાષાકીય અને સાંસ્કૃતિક છે એમ કહેવાય. તેઓ તેને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવામાં સક્ષમ નથી.

રાજ્ય અને કેન્દ્રમાં એક જ સરકાર હોવાનો ફાયદો

મુખ્યમંત્રી માણિક સાહાએ વધુમાં કહ્યું કે, જો કેન્દ્ર અને રાજ્યમાં એક જ પાર્ટીની સરકાર હોય તો કોઈપણ વસ્તુની માંગ કરવી સરળ બની જાય છે. મેં અગાઉ પણ જોયું હતું કે કેન્દ્રીય મંત્રીઓને મળવું ખૂબ મુશ્કેલ હતું. એક જ સરકાર હોય તો સમય પણ તરત જ મળે છે. આવું પહેલા ક્યારેય નહોતું અને જનતા પણ સમજે છે. તેમણે જણાવ્યું કે, ભારતના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું છે કે ત્રિપુરામાં સામ્યવાદી સરકારને લોકતાંત્રિક રીતે હટાવવામાં આવી હોય. આ કારણોસર પણ ત્રિપુરા જરૂરી છે.