લખતર મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

  • vatannivat
  • 27-07-2022 02:28 PM

- તાલુકાકક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કરાયું આયોજન

- કાર્યક્રમમાં અરજદારો દ્વારા ૧૧ પ્રશ્નો રજૂ થયા

નાયબ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

સરકાર દ્વારા લોકોને પોતાના પ્રશ્નો લઇને જિલ્લામથકે ન જવું પડે તે માટે તાલુકાકક્ષાએ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે તે અંતર્ગત  તા.૨૭-૭-૨૨ને બુધવારના રોજ લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ તાલુકા મામલતદાર કચેરીમાં તાલુકાકક્ષાનાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર નાયબ જિલ્લા પોલીસ વડા એચ.પી. દોશીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૧ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

ક્યા ક્યા પ્રશ્નો રજૂ થયા

આ કાર્યક્રમમાં લીલાપુર ગામે કેનાલનો ગેટ લીકેજ તેમજ ખેતરમાં જવાનો રસ્તો ન હોવાનો પ્રશ્ન, કળમ ગામનાં સરપંચ દ્વારા ગામમાં પીવાનું પાણી પૂરતું ન મળવા અંગેનો પ્રશ્ન, લખતર મોતીસર તળાવ નજીક બિનઅધિકૃત રીતે ખોદકામ કરવામાં આવતું હોય તે અંગેનો પ્રશ્ન, માલીકા ગામે દબાણનો પ્રશ્ન સહિત ૧૧ પ્રશ્નો રજૂ થયા હતા. જેનાથી પાંચ પ્રશ્નોના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અન્ય ગેરહાજર રહ્યાં હતાં. આ પ્રશ્નોનું અધ્યક્ષસ્થાનેથી હકારાત્મક રીતે નિરાકરણ કરવામાં આવ્યું હતું. તો બિનઅધિકૃત રીતે માટી ખોદકામ કરતાં હોય તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી.

કોણ કોણ રહ્યું હાજર

આ કાર્યક્રમમાં લખતર મામલતદાર જી.એ.રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી એચ.ટી.સાધુ, લખતર પી.એસ.આઇ. એમ.કે. ઈશરાણી તથા વિવિધ કચેરીઓનાં અને પ્રશ્નોને લગત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.