ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર અંગે ચિદમ્બરમનું મોટું નિવેદન, હારનું કારણ પણ જણાવ્યું

  • vatannivat
  • 12-12-2022 09:43 AM

- આકરી સ્પર્ધામાં ચૂપચાપ ચૂંટણી પ્રચારને કારણે પાર્ટીની હાર: પી.ચિદમ્બરમ

- કોંગ્રેસે ગુજરાતની હારમાંથી બોધપાઠ લેવો જોઈએ : કોંગ્રેસ નેતા

AAPએ ગોવા અને ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ રમત બગાડી 

ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે કઠિન હરીફાઈમાં ચૂપચાપ પ્રચાર જેવું કંઈ નથી. કોંગ્રેસે આ હારમાંથી બોધપાઠ લેવો જોઈએ. તેમણે કોંગ્રેસની હાર માટે આમ આદમી પાર્ટી (AAP) પર પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે AAPએ ગોવા અને ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ રમત બગાડી છે.

ચિદમ્બરમે શું કહ્યું

ચિદમ્બરમે આ અંગે જણાવ્યું હતું કે 2024 ની સામાન્ય ચૂંટણીઓ માટે ભાજપ વિરોધી મોરચો બનાવવા માટે કોંગ્રેસ જ ધુરી બનવા માટે શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે હરિયાણા અને પંજાબને બાદ કરતાં આમ આદમીની દિલ્હી બહાર બહુ લોકપ્રિયતા નથી. ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) ની ચૂંટણીઓ પર તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ હકીકત પર વિચાર કરવો જોઈએ કે ભાજપ ત્રણેયમાં સત્તામાં હતો, પરંતુ બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત 

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા હતા. ભાજપ સતત 7મી વખત જીતવામાં સફળ રહ્યું હતું. આ ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક 156 બેઠકો મળી હતી. કોંગ્રેસ 77માંથી 17 સીટો પર સમેટાઈ ગઈ હતી. જયારે આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી હતી.