મોરબી પુલ દુર્ઘટના મામલે ચાર્જશીટ દાખલ, જાણો સમગ્ર મામલો

  • vatannivat
  • 27-01-2023 09:42 AM

- પોલીસે 1262 પાનાની ચાર્જશીટ દાખલ કરી

- ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ પણ ચાર્જશીટમાં સામેલ

જયસુખ પટેલ પર ધરપકડની લટકતી તલવાર

મોરબી પુલ દુર્ઘટના મામલે કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસે 1262 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં બ્રિજનું સંચાલન કરતી કંપની ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં જયસુખ પટેલ પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. 

સરકારે નગરપાલિકાને કારણદર્શક નોટિસ પાઠવી

મોરબી પુલ દુર્ઘટનામાં ગુજરાત સરકાર મોરબી નગરપાલિકા તંત્રને ભંગ પણ કરી શકે છે. આ માટે સરકારે સૌપ્રથમ પાલિકાને કારણદર્શક નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો છે. જો સરકાર પાલિકાના જવાબથી સંતુષ્ટ ન હોય તો તે પાલિકાનું વિસર્જન પણ કરી શકે છે. જયારે સરકારની કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે પાલિકા દ્વારા એસઆઈટી દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો પરત કરવાની માંગ કરી છે. પાલિકાનું કહેવું છે કે આ અકસ્માત જ્યારથી થયો છે તમામ દસ્તાવેજો કેસની તપાસ કરી રહેલી SIT પાસે છે, તેથી તેને સરકારની નોટિસનો જવાબ આપવા માટે દસ્તાવેજોની જરૂર પડશે.

135 લોકોના મોત થયા હતા

મોરબી જિલ્લામાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ 30 ઓક્ટોબર, 2022 ના રોજ તૂટી ગયો હતો. જેના કારણે 135 લોકોના મોત થયા છે. આ બ્રિજ અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવ્યો હતો અને પાલિકાના કરાર હેઠળ ઓરેવા ગ્રુપ આ પુલનું સંચાલન અને જાળવણી કરતું હતું. 

જયસુખ પટેલની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી

ઝૂલતા પુલનું સંચાલન કરતી કંપની ઓરેવાનાં એમ.ડી. જયસુખ પટેલે 20 જાન્યુઆરીના રોજ મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી.