મેઘ કહેરનો તાગ: CM ભૂપેન્દ્ર પટેલે બોડેલીના પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત, સ્થાનિકોના પૂછ્યા હાલચાલ

  • vatannivat
  • 12-07-2022 12:24 PM

- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી

- સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ સૌથી વધુ પ્રભાવિત બોડેલી વિસ્તારની મુલાકાત લીધી

ગુજરાતના અમુક જીલ્લામાં વરસાદે કહેર વરસાવ્યો છે. તેમાં પણ છોટા ઉદેપુર જીલ્લામાં ભારે તબાહી મચાવી છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત બોડેલી વિસ્તારની આજે મંગળવારના રોજ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત દરમ્યાન બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા વગેરે અંગે વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રી બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા


ભૂપેન્દ્ર પટેલે બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળીને વરસાદે વેરેલા નુક્સાનની વિગત જાણી હતી. મુખ્યમંત્રીએ શિરોલાવાલા હાઈસ્કુલ ખાતેના આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અસરગ્રસ્ત લોકો સાથે પણ મુલાકાત કરી હતી. તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી અને સરકાર તેમની પડખે છે તેમ જણાવ્યું હતું. તો શિરોલાવાલા હાઈસ્કુલખાતે મુખ્યમંત્રી વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાને પણ મળ્યા હતા. વિરોધપક્ષના નેતાએ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વેરેલા વિનાશની વિગતો મુખ્યમંત્રીને આપી હતી.

ઝડપથી સહાય ચૂકવવા અધિકારીઓને સુચના

મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને મદદરૂપ થવાની  હૈયાધારણા આપી પૂર અસરગ્રસ્તોને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ જરૂરી તમામ સહાય સમયમર્યાદામાં ચુકવવામાં આવશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારની નુકસાનીનો સર્વે કરીને લોકોને મદદરૂપ બનવા અંગે જિલ્લાના તંત્રવાહકોને માર્ગદર્શન આપ્યું હતું. તો સાથોસાથ કુદરતી આપદામાં જે લોકોના જાન માલને નુકશાન થયું છે તેને ઝડપથી સહાય ચૂકવવા અધિકારીઓને સુચનાઓ આપી હતી.

વરસાદ બાદ રોગચાળો અટકાવવા માટે જરૂરી સફાઈ કામગીરી પણ હાથ ધરાશે

છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં ભારે વરસાદની અસર થઈ છે. ત્યારે આવ કપરા સમયમાં પ્રજાની પડખે ઉભા રહેવાનું દાયિત્વ નિભાવવાનું જણાવતા મુખ્યમંત્રીએ હવે પાણી ઓસરતાં હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લાભ લઈ ન જાય એ રીતે નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવાનું માર્ગદર્શન આપ્યું હતું. જયારે જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાંથી જે ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાનો બાકી છે તેવા બાકી ગામોમાં વીજ પુરવઠો ઝડપભેર પુનઃ સ્થાપિત કરવામાં આવશે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે વરસાદ બાદ રોગચાળો અટકાવવા માટે જરૂરી સફાઈ કામગીરી પણ હાથ ધરાશે. આ મુલાકાત વેળાએ આદિજાતિ રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ, મુખ્ય સચિવ પંકજકુમાર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.