વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, જાણી લો ખાસિયત

  • vatannivat
  • 18-05-2022 11:03 AM

- વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પ્રારંભ

- CM ભૂપેન્દ્ર પટેલે વર્ષોજૂની આપણી સંસ્કૃતિને કરી યાદ 

- આગામી 3 દિવસ સુધી ચાલશે વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ

વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિરથી પ્રારંભ કરાવ્યો 

  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના સહયોગથી આયોજીત ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિરથી પ્રારંભ કરાવ્યો હતો.


વડનગર પ્રાચીનત્તમ અને સનાતન તથા દિવ્ય-ભવ્ય નગર છે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે યુનેસ્કો, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાની સહભાગીતા તથા ભારત સરકાર અને દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઝના સહયોગથી રાજ્યના પૂરાતત્વીય ભવ્ય વારસા અને સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની તત્પરતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, વડનગર પ્રાચીનત્તમ અને સનાતન તથા દિવ્ય-ભવ્ય નગર છે. કાળની અનેક થપાટો ખાધા પછી પણ અવિચલ રહેલું વડનગર આર્ય સભ્યતાના ધ્રુવતારક જેવું નગર છે. સાથે જ તેમણે બૌધવિહારો, કિર્નિતોરણ, શર્મિષ્ઠા તળાવ, તાના-રીરી ની સમાધિ જેવી ભવ્ય વિરાસતોના વાહક નગર તરીકે વડનગરની આગવી ઓળખ ઉભી થઇ છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

ભારત, ભૂતાન, માલદીવ્સ અને શ્રીલંકાના યુનેસ્કોના પ્રતિનિધિ એરિક ફાલ્ટે માન્યો આભાર 

  વિશ્વ સંગ્રહાલય દિવસે ગુજરાતમાં યોજાઈ રહેલી આ ત્રિ-દિવસીય વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સને સંબોધન કરતાં ભારત, ભૂતાન, માલદીવ્સ અને શ્રીલંકાના યુનેસ્કોના પ્રતિનિધિ એરિક ફાલ્ટે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૫માં જ્યારે તેમની નિમણૂક પેરિસમાં કરવામાં આવી હતી ત્યારે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની યુનેસ્કોના હેડ ક્વાર્ટરની પ્રથમ મુલાકાતનું આયોજન કરવાનો અવસર મળ્યો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ભારતમાં ગુજરાત એ સમૃદ્ધ વારસો અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતું રાજ્ય છે. પ્રાચીન ભારતમાં આધુનિક ગુજરાતનું પણ નિર્માણ કર્યું છે.

યુનેસ્કો કન્વેન્શનની ૨૦મી જયંતી પર ભારત સરકાર ગુજરાતી ગરબાની લોક પરંપરાનું નામાંકન કરશે

  ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને વારસાને પ્રોત્સાહન આપવા યુનેસ્કો સક્રિય ભાગીદારી ભજવે છે જેના ભાગરૂપે યુનેસ્કો દ્વારા વર્ષ ૧૯૪૮માં નવી દિલ્હી ખાતે પ્રથમ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૨એ યુનેસ્કો માટે લાંબા સમયની ભાગીદારીને ઉજાગર કરવાનું વર્ષ છે. આ જ વર્ષે ભારત પણ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે સાથોસાથ આ વર્ષ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનની ૫૦મી જયંતી પણ છે. યુનેસ્કો આગામી વર્ષ ૨૦૨૩માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની ૨૦મી જયંતી પણ ઉજવશે જેમાં ભારત સરકાર ગુજરાતી ગરબાની લોક પરંપરાનું નામાંકન કરશે.  

શું છે ખાસિયતો 

 ઉલ્લેખનીય છે કે, આ ત્રિદિવસીય કોન્ફરન્સના અન્ય આકર્ષણોમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આર્ટ ફેકટસ એક્ઝિબિશન, વડનગર ચાર્ટર ઓન હેરિટેજ ટુરિઝમ, ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓએ વડનગરના વિવિધ પહેલુઓ રજુ કરતા બનાવેલા સ્કેચ ચિત્રોની પ્રદર્શની ઉપરાંત કોન્ફરન્સના અંતિમ દિવસ એટલે કે તા.ર૦મી મે એ વડનગરના દર્શનીય સ્થાનોની પ્રત્યક્ષ મુલાકાતનું પણ આયોજન કરાયેલ છે.